વિકાસ કાર્યોના વર્કઓર્ડર:રાણપુરમાં બોટાદના રાજ્યકક્ષાના મંત્રીની હાજરીમાં 4 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણા દેશને વધુ શ્રેષ્ઠ, મજબૂત અને ગૌરવશાળી બનાવવાની ફરજ આપણા સૌની છે - રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં સૌપ્રથમ પ્રભાતફેરી યોજાઈ હતી. ત્યારબાદ મનુભાઈ શેઠ હાઈસ્કુલના ઓડિટોરીયમમાં વિવિધ વિકાસ કામોના વર્કઓર્ડર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, દેશભરમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં ગુજરાત રંગેચંગે ભાગ લઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો વિચાર માત્ર પ્રધાનમંત્રીને જ આવે તેમ જણાવી મંત્રીએ આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યસંગ્રામીઓના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આપણા દેશને મજબૂત તેમજ વધુ શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી ભાવિ પેઢીની છે, જે માટે બાળકોએ આપણા ઈતિહાસને જાણવો જરૂરી છે. આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં તેમજ મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ રાજ્યભરમાં વિકાસકાર્યોની રેલમછેલ છે. આત્મનિર્ભર ભારતના તમામ વચનો નરેન્દ્રભાઈએ પુરા કરી બતાવ્યા છે. બોટાદ જિલ્લાના કલેકટરના કામની પણ સરાહના કરતા મંત્રીએ જણાવ્યું કે, બોટાદ જિલ્લામાં ટુંક સમયમાં GIDC શરૂ કરવાની ક્વાયત વહીવટીતંત્રએ હાથ ધરી છે. જેથી ભવિષ્યમાં અહીં રોજગારીની અનેક તકો ઊભી થશે. બોટાદ માર્બલના નવા હબ તરીકે ઉભરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મંત્રીએ જિલ્લાના 34 ગામોમાં 154 વિકાસ કાર્યો માટે રૂ.4 કરોડ 13 લાખથી વધુ રકમના વર્કઓર્ડર એનાયત કર્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા 2.0, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાયના લાભાર્થીઓને પણ કીટ તેમજ સેક્શન લેટરનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત મંત્રીના હસ્તે સી.સી.રોડનૂં ખાતમુર્હૂત તેમજ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, નાયબ કલેકટર રાજશ્રીબેન વંગવાણી, ભાજપ અગ્રણી કાળુભાઈ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ, લાભાર્થી ભાઈ - બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...