કામગીરી:ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસ દશેરાએથી પુન: શરૂ થવા વકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુલાઇના અંત ભાગમાં મરામત માટે ફેરી બંધ કરાઇ હતી
  • ટેકનિકલી ચેકિંગ બાદ શિપ વોયેજ સીમ્ફનીની મરામત માટે સ્પેરપાર્ટસ દક્ષિણ કોરીયાથી મંગાવવામાં આવ્યા

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અોછુ કરી નાંખનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું જહાજ જુલાઇ માસના અંતિમ સપ્તાહથી નિયમીત મરામત માટે ડ્રાય ડોકિંગમાં લઇ જવામાં આવ્યુ હતુ, હવે આ ફેરી સર્વિસ મધ્ય ઓક્ટોબરમાં (દશેરા)થી પુન: શરૂ કરવામાં આવનાર હોવાનું ઇન્ડીગો સીવેઝ પ્રા.લિ., (આઇએસપીએલ) દ્વારા જણાવવામાં આવ્યુ છે. ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ માટે ચલાવવામાં આવતા જહાજ વોયેજ સીમ્ફનીને નિયમીત મરામત કરાવવા માટે હજીરાના શિપયાર્ડમાં ડ્રાય ડોકિંગમાં લઇ જવામાં આવ્યુ હતુ.

જ્યાં તેનું ઓવરઓલ ચેકિંગ અને બોટમ કલર સહિતની બાબતો કરવામાં આવી હતી. દરમિયાન જહાજમાં તકનીકી ચેકિંગમાં એન્જીનનો પાર્ટ નવો નાંખવાની આવશ્યક્તા જણાતા તેને કોરિયાથી આયાત કરવામાં આવી રહ્યો છે. આઇએસપીએલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દસ દિવસમાં જહાજનો નિયત પાર્ટ્સ કોરિયાથી આવી પહોંચ્યા બાદ તેને જહાજમાં ફિટ કરવામાં આવશે, અને ત્યારબાદ તેની નિયમાનુસારની ચકાસણીઓ હાથ ધરવામાં આવશે અને સંભવત: મધ્ય ઓક્ટોબરમાં આ જહાજને પુન: ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસ માટે ચલાવવામાં આવશે.

મુસાફરો ઉપરાંત ટ્રક, કાર સહિતના વાહનોના સમગ્ર સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધીના જળપરિવહનને કારણે ફેરી સર્વિસ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ભાવનગર જિલ્લામાંથી પણ પરિવહન માટેની નવી સવલતથી મુસાફરોને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...