• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Garib Kalyan Mela Was Held At Bhavnagar Under The Chairmanship Of The Education Minister, Benefits Of An Estimated Rs.655 Crore Were Distributed To More Than 41 Thousand Beneficiaries.

લાભાર્થીઓને સહાય વિતરણ:ભાવનગરમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, 41 હજારથી વધુ લાભાર્થીઓને અંદાજીત રૂ.655 કરોડના લાભોનું વિતરણ કરાયું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞ તરીકે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યાં છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ જ શ્રેણીમાં ભાવનગર જિલ્લામાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અટલ બિહારી બાજપેઈ, ઓપન એર થીએટર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કરાયા
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષ 2009થી ગરીબોના સશક્તિકરણ માટે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ મેળાના માધ્યમથી જિલ્લાના 41 હજાર 275 જેટલાં લાભાર્થીઓને અંદાજીત રૂ.655 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હક્કના લાભો સરકારે હાથો-હાથ આપ્યાં છે. આ મેળાઓ તેમને આર્થિક મોરચે સ્વાવલંબી અને વધુ સમૃદ્ધ બનવામાં સહાયરૂપ પૂરવાર થશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ રાજ્યને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, પાણી, વીજળી, શિક્ષણ એમ બધાં જ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધેલાં પગલાંઓની વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજે હર ઘર નલ યોજના હેઠળ છેવાડાનાં ગામોનાં ઘરોમાં પણ નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. કોરોના સમય દરમ્યાન દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુઇ જાય તેની સરકારે તકેદારી રાખી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણકારી નીતિઓ વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, સખી મંડળ, કુંવરબાઈનું મામેરું, સરસ્વતી સહાય યોજના, કન્યા કેળવણી જેવી કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી રાજ્યના વંચિત અને ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સરકાર તરફથી અનેકવિધ યોજનાઓ અમલી કરવામાં આવી
મેયર કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે, દેશનો એક પણ નાગરિક ગરીબ ન રહે, તેની પ્રગતિ અટકે નહીં એ સુનિશ્ચિત કરવા સરકાર તરફથી અનેકવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીનાં બેન્ક ખાતામાં સીધા લાભો કોઈ પણ વચેટીયા વગર પહોંચાડવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે અને તેમના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. શિક્ષણમંત્રીએ “પંચાયતી રાજની આગેકૂચ” બૂકનું વિમોચન પણ કર્યું હતું.
​​​​​​​લાભાર્થીઓએ પોતાને મળેલી સહાય અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા
આ કાર્યક્રમમાં ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભ પહેલાં સભાસ્થળે સ્થાનિક કલાકારો દ્વારા સાહિત્યની મનોરંજક કૃતિઓ અને દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલી સહાય અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા દ્વારા સ્વાગત પ્રવચન અને કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

વિવિધ અગ્રણીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યાં

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂ ધામેલીયા, ડેપ્યુટી મેયર કૃણાલ શાહ, અધિક નિવાસી કલેક્ટર બી.જે. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મિયાણી, કોર્પોરેટરોઓ સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...