આંખ આડા કાન:મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના 15000 છાત્રોનું ભાવિ અંધકારમય, ભવનને ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલની માન્યતા નથી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • DECની માન્યતા વગર એક્સ્ટર્નલ ભવનમાં ચાલતા કોર્સિસ માન્યતા અંગે સવાલો વર્ષે સાડા ચાર કરોડ રૂપિયા રળી આપતા કમાઉ દીકરા સામે પગલા લેવામાં ખચકાટ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા બાહ્ય અભ્યાસક્રમોની માન્યતા અંગે અનેક સવાલો ચાલી રહ્યા છે જેમાં મુખ્ય તો પ્રશ્ન એ છે કે ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ એટલે કે DECની માન્યતા વગર આ તમામ બાહ્ય અભ્યાસક્રમો ચાલી રહ્યા છે જેને આ કાઉન્સિલે ગેરકાયદેસર ગણાવ્યા છે. આથી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમના વિવિધ વિદ્યાશાખામાં ભણી રહેલા 15,000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ ઉપર પ્રશ્નાર્થ જાગ્યો છે. યુજીસી દ્વારા તો ડીઇસીની માન્યતા વગર ચલાવતા આ પ્રકારના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા તાકીદ પણ કરવામાં આવી છે.

આ સંજોગોમાં તાજેતરમાં યુજીસી દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. દરમિયાનમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આ મામલે કમિટીની રચના તો કરવામાં આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા બાહ્ય અભ્યાસક્રમ કમાઉ દીકરો હોય આ બાબતે આંખ કાન કરવામાં આવી રહ્યા છે. આ ભવનને લીધે યુનિ.ને ફીને લીધે દર વર્ષે અંદાજે રૂા.સાડા ચાર કરોડની માતબર રકમ મળે છે. યુનિવર્સિટીના એક્સ્ટર્નલ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે પરંતુ આ અભ્યાસક્રમોને ડિસ્ટન્સ એકેશન કાઉન્સિલની માન્યતા નથી.

આ મામલે ભૂતકાળમાં પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ ડો. દિલીપ બારડ અને ડો. ગિરીશભાઇ વાઘાણીની કમિટીની રચના કરી હતી પરંતુ તેમના રિપોર્ટ કે કોઈ પગલા લેવાયા નહી. બાહ્ય અભ્યાસક્રમ જે કમાઉ દીકરો હોય આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. હાલની નોટિસ પછી ફરી એકવાર યુનિવર્સિટીના સત્તાધીશોની આંખ ઉઘડી હોય તેમ તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી ત્યારે ફરી એકવાર કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ડો. ગિરીશભાઈ વાઘાણી અને પ્રિ.ડો. હેતલબહેન મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે.

જોકે એનો રિપોર્ટ પણ આજે દિન સુધી સબમીટ કરવામાં આવ્યો નથી. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓએ ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલની માન્યતા વગર ચાલતા મોટાભાગના બાહ્ય અભ્યાસક્રમો બંધ કરી દીધા છે વિદ્યાર્થીઓને કારકિર્દી કે વિદ્યાર્થીઓનું હિત, કમાણી કરતા વધારે જોવું જોઈએ જો યુનિવર્સિટીને ભવિષ્યમાં NAACનો સારો ગ્રેડ મેળવવો હશે તો તાત્કાલિક આ બાહ્ય અભ્યાસક્રમોની માન્યતા અંગે વિચારવું પડશે.

માન્યતા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે
યુનિ. દ્વારા બાહ્ય અભ્યાસક્રમ માટે ડીઇસીની માન્યતા મળી જાય તે માટે સઘન પ્રયાસ ચાલ રહ્યાં છે અને આ માટે બે સભ્યોની કમિટિની રચના પણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે. આ કમિટિના રિપોર્ટ અને ડીઇસીની માન્યતા માટે પ્રયાસ આગળ વધી રહ્યાં છે. - ડો.એમ.એમ.ત્રિવેદી, કુલપતિ, એમકેબી યુનિ.

આંતરિક મૂલ્યાંકનનું માળખું જ નથી
હકીકતમાં બાહ્ય અભ્યાસક્રમ માટે એક ચોક્કસ આંતરિક મૂલ્યાંકનનું માળખું હોય છે જેમાં જુદા જુદા તબક્કે એસાઈમેન્ટનો સમાવેશ થાય છે. પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે આવી કોઈ જ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ નથી જે જોખમી બાબત ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...