બેદરકારી:અલંગમાં હાઉસિંગ કોલોનીનું ફંડ 100 કરોડથી વધુ, છતાં ઉઘરાણું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ ડેવલોપ કર્યા શિપ બ્રેકરોએ અને ચાર્જીસ ઉઘરાવે છે જીએમબી
  • ​​​​​​​ડચકા ખાતા ઉદ્યોગને બચાવવા કેન્દ્ર સરકાર ઉત્સુક, રાજ્યની બેદરકારી

આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અલંગના ઉદ્યોગકારોઅે ગાંઠના પૈસા ખર્ચીને પ્લોટ અપગ્રેડેશન કરાવ્યા છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે, પ્લોટ ડેવલોપમેન્ટના નામે અલંગમાંથી પ્રતિ વર્ષ કરોડો રૂપિયા ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) ઉઘરાવી જાય છે, પરંતુ અપગ્રેડેશનની બાબતમાં કાંઇ કર્યુ નથી.

અલંગમાં કુલ 153 શિપ રીસાયકલિંગ પ્લોટ આવેલા છે, તે પૈકી 30% પ્લોટમાં હાલ કામગીરી ચાલુ છે. શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જીએમબી દ્વારા લેબર હાઉસિંગ કોલોની સેસ ઉઘરાવવામાં આવે છે, પ્રથમ ચરણની હાઉસિંગ કોલોની 1008ની ક્ષમતાની બનાવવામાં આવી છે તેમાં પણ કામદારો ઓછો ઉપયોગ કરી રહ્યા છે.

હાલ જીએમબી પાસે હાઉસિંગ કોલોનીનું ફંડ 100 કરોડથી વધુનું જમા છે, તેમાંથી બાકીની તમામ લેબર હાઉસિંગ કોલોની બનાવી શકાય તેમ છે, છતા હજુપણ અલંગના શિપ રીસાયકલર્સો પાસેથી હાઉસિંગ સેસ ઉઘરાવવામાં આવી રહી છે. તેવી જ રીતે શિપબ્રેકિંગના પ્લોટ ડેવલોપ કર્યા છે શિપબ્રેકરોએ પોતાના ખર્ચે, પરંતુ જીએમબી અસહ્ય રીતે પ્લોટ ડેવલોપમેન્ટ ચાર્જીસ ઉઘરાવી રહ્યું છે.

એક તરફ કેન્દ્ર સરકાર અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગને ડેવલોપ કરવા, ક્ષમતા બમણી કરવા શ્રેણીબધ્ધ પગલા ભરી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકારના એકમ જીએમબી દ્વારા અલંગ પ્રત્યે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે, અને પ્રશ્નો ઉકેલવાને બદલે ટલ્લે ચડાવાઇ રહ્યા છે.

GMB સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે
ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા અલંગમાં પ્લોટ ડેવલોપમેન્ટ ફી ઉઘરાવવામાં આવે છે, તે સદંતર અયોગ્ય બાબત છે. અલંગમાં તમામ શિપ રીસાયકલર્સ દ્વારા પોતાના પ્લોટ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના અપગ્રેડ કર્યા છે તે પોતાના ખર્ચે કર્યા છે, તો જીએમબી શા માટે ચાર્જ વસુલે છે તે ખબર નથી પડતી. આ અંગે વારંવાર પત્રવ્યવહાર કર્યો છે. > હરેશ પરમાર, જો.સેક્રેટરી, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)

અન્ય સમાચારો પણ છે...