પાલીતાણા તાલુકાના અનિડા ગામની સીમમાં આવેલા વન વિભાગ આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશી ફરતાં શખ્સોને વનકર્મીઓએ ફોરેસ્ટની હદમાંથી બહાર જતાં રહેવા જણાવતાં ચાર શખ્સોએ વનકર્મીને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતા વનકર્મીએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામનાં વતની અને હાલ પાલીતાણા તાલુકાની મોટી રાજસ્થળી ગામે રહેતા તથા પાલીતાણા તાલુકામાં સહાયક વનરક્ષક તરીકે ફરજ બજાવતા નિલેષ બુટા ડાભી એ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સાથી વનકર્મીઓ સાથે અનિડા બિટમા પેટ્રોલીંગ પર હતા.
આ દરમિયાન વનવિભાગ આરક્ષિત જંગલમાં આંબળા ગામનાં અનિલ ભોથા કરમટીયા તથા માલા ભોજા કરમટીયા ગેરકાયદે પ્રવેશી આરક્ષિત જંગલમાં રખડતાં હોય આથી તેઓને ટપારી ફોરેસ્ટ હદ માથી બહાર જતાં રહેવા જણાવતાં ઉશ્કેરાયેલા બંને શખ્સોએ વનરક્ષકોને બિભત્સ ગાળો આપી દાદાગીરી કરી વનરક્ષક નિલેષ પર હુમલો કરી લાકડી તથા ઢીકાપાટુંનો મૂંઢમાર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટના દરમિયાન અન્ય બે અજાણ્યા શખ્સોએ અનિલ તથા માલાને મદદગારી કરી હતી અને અનિલે જતાં જતાં નિલેષને ગર્ભિત ધમકી આપી હતી કે, હવે પછી જો જંગલમાં સામે મળ્યો તો જાનથી મારી નાંખીશ આ અંગે ઈજાગ્રસ્તે સારવાર બાદ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનિલ તથા માલા અને બે અજાણ્યા શખ્સો સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.