તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેહુલીયાની ધમાકેદાર એન્ટ્રી:ગારિયાધારમાં સવા ચાર, ભાવનગરમાં પોણા ચાર ઈંચ વર્ષા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છાયુંરે અંધારૂ વાગ્યુ રે નગારૂ
રાજાધિરાજ મેઘરાજાને ઘણી ખમ્મા - Divya Bhaskar
છાયુંરે અંધારૂ વાગ્યુ રે નગારૂ રાજાધિરાજ મેઘરાજાને ઘણી ખમ્મા
  • શહેરમાં ચોમાસાના પહેલા જ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા છતી થઇ ગઇ : ગોઠણ સમાણા પાણી ભરાયા
  • ઉમરાળામાં સવા બે ઈંચ, વલ્લભીપુરમાં બે ઇંચ, પાલિતાણામાં દોઢ અને સિહોરમાં સવા ઇંચ, અન્યત્ર હળવા-ભારે ઝાપટા

ગત માસે 17-18 મેના રોજ તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભાવનગર શહેર અને જિલ્લામાં 2થી 9 ઇંચ વરસાદ ખાબકી ગયાના બરાબર એક માસ બાદ હવે ભાવનગર જિલ્લામાં ચોમાસાના આગમનનો પ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ગારિયાધારમાં સવાર ચાર ઈંચ અને ભાવનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ વર્સી ગયો હતો. જ્યારે ઉમરાળામાં સવાર બે ઈંચ, વલભીપુરમાં બે ઈંચ, પાલિતાણામાં દોઢ ઈંચ અને સિહોરમાં સવા ઈંચ વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર શહેરમાં તો બે ઇંચ વરસાદથી શહેરમાં ઠેર ઠેર દોઢથી બે ફૂટ પાણીના ખાબોચીયા ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે ઇંચ વરસાદમાં સાંજના સમયે શહેરમાં સર્કલો પર પાણી ભરાઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયા હતા. તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા આ પહેલા વરસાદે જ છતી થઇ ગઇ છે. બીજી બાજુ ચોમાસાની ચાતક નજરે રાહ જોઇ રહેલા ધરતીપુ્ત્રોના હૈયે આજના વરસાદથી હામ આવી છે.

ભાવનગર શહેરમાં આજે બપોર સુધી અસહ્ય બફારો રહ્યા બાદ ચારેક વાગ્યે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો. કાળાળ ડીબાંગ વાદળો શહેરના ગગનમાં ચડી આવ્યા હતા અને ગર્જના સાથે મેઘસવારી શહેરમાં આવી પહોંચી હતી. ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. ખાસ તો 4.45થી 5.45ના એક કલાકના સમયગાળા દરમિયાન 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી શહેરમાં રેલવે સ્ટેશન, ખેડૂતવાસ, કણબીવાડ, બોરડીગેટ, આનંદનગર, મેઘાણી સર્કલ, મહિલા કોલેજ સર્કલ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, ભરતનગર, શહેર-ફરતી સડક, વડવા, શાસ્ત્રીનગર, લાલ ટાંકી સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા. વાહનચાલકો માટે સૌથી વધુ હાલાકી ગઢેચી વડલાથી દેસાઇનગર વચ્ચે જ્યાં ફ્લાયઓવર બને છે તે માર્ગે બન્ને બાજુ પતરા જડી દીધા હોય વાહનો ચાલે તે માર્ગે પાણીના મોટા મોટા ખાબોચીયા ભરાઇ જતા અનેક બાઇક બંધ પડી ગયા હતા.

ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં આજે ઝાપટાં રૂપી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તળાજા શહેરમાં એકાએક ગાજવીજ સાથે વર્ષાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સિહોરમાં બપોર પછી બદલાયેલા વાતાવરણ અને અસહ્ય બફારા વચ્ચે એકાદ ઇંચ વરસાદ વરસી જવા પામેલ. સિહોર ઉપરાંત તાલુકાના ટાણા, ભાંખલ, થાળા, ભડલી, રબારિકા, ધ્રુપકા, દેવગાણા, અગિયાળી સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વાવણીલાયક વરસાદ થતાં હવે ધરતીપુત્રો વાવણી શરૂ કરી દેશે.

ગારિયાધાર પંથકમાં અનરાધાર વરસાદ

ગારિયાધાર શહેર તેમજ પંથકમાં સવારથી જ ગરમીનો અસહ્ય બફારો થતો હતો.બપોર બાદ સાંજના પાંચેક વાગ્યે ગારિયાધાર શહેર તેમજ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેર તેમજ પંથકમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ આશ્રમ રોડ વાવ દરવાજા વિસ્તારમાં ખુબજ પાણી ભરાયુ હતુ.

વલભીપુરમાં બે ઇંચ વરસાદ

છેલ્લાં ઘણાં દિવસોથી અસહ્ય બફારા સાથે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ખેડુતો અને લોકો આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. તેવામાં આજે બપોરના 3 વાગ્યાની આસપાસ મેઘરાજા એ જોરદાર એન્ટ્રી કરવા સાથે સત્તાવાર ચોમાસાનાં પ્રથમ રાઉન્ડમાં જ 52 મી.મી. પોણા બે ઈંચ વરસાદ થતા શહેરની શેરીઓ અને ગલીઓમાંથી પાણી વહેતા થતાં ગરમીમાંથી રાહત થઇ છે.

ધોળા જંક્શનમાં ધોધમાર વરસાદ

ધોળા જંક્શન અને ઉમરાળા શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ 3 વાગ્યા આસપાસ અસહ્ય બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી પાણી થયું હતું.

વેળાવદરમાં અડધો ઈંચ વરસાદ
ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ધીમીધારે સાંજના 6:45 વાગે થી 7:30 વાગ્યા સુધી લગભગ અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ક્યાંક ચિંતા તો ક્યાં ખુશીનો માહોલ.જેણે વાવણી કરી દિધી છે તેને લાભ થશે અને નથી થઈ તેને કપાસ ઉગશે કે કેમ? તેની ચિંતા જોવા મળી.

માટીના ઢગલા અને ખોદેલા ખાડા આફતરૂપ
શહેરમાં કોર્પોરેશન દ્વારા ચોમાસા ટાણે જ આદરેલા કામોને કારણે લોકોને પણ ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. રૂપાણી સર્કલ થી મહિલા કોલેજ સર્કલ સુધી નવા બનાવેલા ડિવાઇડરમાં નાખવા માટેની
માટીના ઢગલા રોડ પર નાખતા આજે વરસાદ દરમિયાન અનેક વાહનચાલકો સ્લીપ થઈ ગયા હતા. તદુપરાંત ઘણી જગ્યાએ લાઈન નાખવાના ચાલી રહેલા કામો માટે ખોદેલા ખાડા પણ આફતરૂપ બન્યા હતા.

ખોડીયાર તળાવમાં 6 ઇંચનો વધારો
ભાવનગર શહેર જિલ્લામાં આજે વરસાદ વરસતા બોરતળાવના કેચમેન્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો જેથી ભીકડા કેનાલમાં પણ પાણી દોડતું થયું હતું અને આવતીકાલે સવારે બોરતળાવ સુધી પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે. બોરતળાવની હાલમાં સપાટી 37 ફુટ છે. જ્યારે ખોડીયાર તળાવમાં વરસાદને કારણે સપાટીમાં છ ઇંચનો વધારો નોંધાયો છે. સવારે 3.2 ફુટ હતી જે આજે મોડી સાંજે 3.8 ફુટ થઈ હતી.

સિઝનનો 9.20 % વરસાદ
જિલ્લામાં કુલ વરસાદ 595 મી.મી.છે આજ સુધીમાં 52 મી.મી. વરસાદથી સિઝનનો 9.20 % વરસાદ થયો છે.

ક્યાં કેટલો વરસાદ ?
તાલુકો વરસાદ

ગારિયાધાર 105 મી.મી.
ભાવનગર 91 મી.મી.
ઉમરાળા 56 મી.મી.
વલ્લભીપુર 52 મી.મી.
પાલિતાણા 47 મી.મી.
સિહોર 32 મી.મી.
ઘોઘા 15 મી.મી.
જેસર 13 મી.મી.
તળાજા 6 મી.મી.

અન્ય સમાચારો પણ છે...