વિવાદ છંછેડાયો:જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભાજપ પૂર્વ મહિલા પ્રમુખની પોલીસમાં ફરિયાદ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીલ બાદ મોદીના આગમન પૂર્વે વિવાદ છંછેડાયો
  • બિભત્સ માગણી, ત્રાસ અને દીકરીને રાત્રે મેસેજ કર્યાના આક્ષેપ

ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ દ્વારા અગાઉ પણ શારીરિક-માનસિક ત્રાસ અને બીભત્સ માગણીના આક્ષેપો કર્યા હતા. તેમજ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે ઘણા સમયથી દ્વારકા ખાતે ઉપવાસ પણ શરૂ કર્યા હતા. પરંતુ ભાજપ અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે શિહોર પોલીસ સ્ટેશનમાં ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધમાં ગીતાબેન કોતરે મહિલા અત્યાચાર અને પોસ્કો કલમ મુજબ ફરિયાદ નોંધવા લેખિતમાં આપવામાં આવતા પુનઃ વિવાદ છંછેડાયો છે.

ભાવનગર જિલ્લા ભાજપ મહિલા સેલના પૂર્વ પ્રમુખ ગીતાબેન દિનેશભાઇ કોતર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓને રૂબરૂ બોલાવી મુકેશભાઈના હવાલે થવું પડશે નહીતર ગીતાબેનની પ્રગતિ નહીં થાય. તે માટે ના પાડતા હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ગીતાબેનની દીકરીને પણ મોડી રાત્રે મેસેજ કર્યા હતા.

વલભીપુરના ભોજપરા ગામની દીકરીઓ સાથે અને સિહોર તાલુકાના ટાણા ગામે પણ મહિલાઓ સાથે અત્યાચાર ગુજાર્યો હોવાનું જણાવી તપાસની માગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવવાના હતા તે પૂર્વે પણ વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં કાર્યક્રમ નક્કી થાય છે તે પૂર્વે પુનઃ વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...