બેદરકારી:કોરોનાગ્રસ્ત શાંતિનગર ક્વોરન્ટાઈન કરવાનું ભુલાયેલું 24 દિવસે યાદ આવ્યુ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ આવતા 24 દિ' પૂર્વે એક તરફ પતરા લગાવી ચાલ્યા ગયા, સંપૂર્ણ વિસ્તાર ક્વોરન્ટાઈન કરાયો,

કોરોનાની મહામારીમાં પણ કોર્પોરેશન બેદરકાર બન્યું છે. 24 દિવસ પૂર્વે શહેરના બોરતળાવ પાસેના શાંતિનગર માં પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યો હતો તે વિસ્તારને એક સાઈડ ક્વોરન્ટાઈન કરવાનું જ કોર્પોરેશન ભૂલી ગયું. 24 દિવસે તંત્રને યાદ આવતા આજે શાંતિનગરમાં પતરા લગાવી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. સવાઇનગરમાં પણ લાગેલા પતરા કાઢી નાખતા ફરી લગાવ્યા હતા.

ભાવનગર શહેરમાં હાલમાં ભાવનગર શહેરના 20 જેટલા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને કારણે ઓન પેપર કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પરંતુ આ વિસ્તારો પૈકી ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે શાંતિનગર શેરી નંબર 1 માં પેપર પર તો ક્વોરન્ટાઈન કર્યું છે પરંતુ વાસ્તવમાં શાંતિનગરમાં એક્સાઇડ પતરા લગાવ્યા બાદ બીજી તરફ સાવ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. આ વિસ્તારને સંપૂર્ણપણે ક્વોરન્ટાઇન જ કરાયો ન હતો.

શાંતિનગરમાં રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રણજીતસિંહ મચ્છરને ફરજ દરમિયાન ગત તા. 4 થી મે ના રોજ કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. તત્કાલીન સમયે તેના રહેણાંક વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવાનું ભુલાઈ ગયું. રણજીતસિંહ ગત 16મી મેના રોજ સાજા થતા હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ અને તમામ તબીબી પ્રક્રિયામાં ફરજ પર પણ લાગી ગયા છે. પરંતુ આજ સુધી તંત્રને શાંતિનગરને ક્વોરન્ટાઈન કરવાનું યાદ આવ્યું નહીં. અને 24 દિવસ બાદ આજે ધ્યાન પર જતા સાંજે શાંતિનગરને સંપૂર્ણપણે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો.

24 દિવસ પૂર્ણ થયા નિયમ મુજબ હવે ક્વોરન્ટાઈન મુક્તિને 4 દિવસ જ બાકી 
જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તે વિસ્તારને ક્વોરન્ટાઈન કરી કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાય છે. અને જો આ વિસ્તારમાં 28 દિવસમાં કોઈ પોઝિટિવ કેસ આવે નહીં તો આ વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવે છે. શાંતિનગરમાં ગત 4થી મે ના રોજ પોઝિટિવ કેસ આવ્યો હતો. જેથી હવે આ વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવા માટે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે હવે આ વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરાયો છે.

કોન્ટ્રાક્ટરથી ક્વોરન્ટાઈન કરવાનું ભુલાઈ ગયું હતું 
 ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે શાંતિનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ત્યારે જ એક તરફ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો હતો પરંતુ લોખંડના પતરા લગાવવા સહિતની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હોય છે જેથી તેની ભૂલના કારણે એક સાઇડ ક્વોરન્ટાઇન કરાયું ન હતું. જે આજે કામગીરી કરવામાં આવી છે.> એમ.એ.ગાંધી, મ્યુ. કમિશનર 

અન્ય સમાચારો પણ છે...