દીવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી:મહામારી, મંદી અને મોંઘવારીને વિસારી ફટાકડા, ફૂડ-ફન સાથે ફેસ્ટિવલ ઉજવાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કોરોના કાબુમાં હોય ઉજવણીમાં ઉમંગ વધ્યો
  • મહા પર્વના સમયગાળામાં રસોડામાં હડતાલ અને હોટેલો હાઉસફૂલ રહી : રેકડીથી લઈને રિસોર્ટ અને રેસ્ટોરામાં જ્યાફત

આ વર્ષે કોરોના હવે કાબૂમાં હોય તેમજ મંદી અને મોંઘવારીનો માહોલ હોવા છતાં અંતે તો ભાવનગરની બજાર માટે આ દિવાળી ફાયદાકારક રહી છે જેમાં સામાન્ય શ્રમિકથી માંડીને અમીર સુધીના ઉજવણીપ્રેમી નગરજનોએ દીવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

આ દિવસોમાં રસોડે રજા રહી હતી અને હોટલો-રેસ્ટોરન્ટ હાઉસફુલ રહ્યા હતા. જો કે અગાઉના વર્ષોમાં જે રીતે મલ્ટીપ્લેક્સ હાઉસફુલ રહેતા તે આ દિવાળીએ કોરોનાના ડરને લીધે વધુ ભીડ જોવા મળતી નથી.દિવાળી, બેસતા વર્ષ અને ભાઇ-બીજના પર્વમાં ભાવેણાવાસીઓએ ઓફિસોની જેમ ઘરમાં પણ રજા પાડી દેવાનું નક્કી કર્યું હોય તેમ સંખ્યાબંધ ઘરોમાં રસોડાંને અને રસોડાંની રાણીને આરામ અપાયો હતો. તેથી રસોડામાં હડતાલ અને હોટેલો હાઉસફૂલ રહી હતી. તો બીજી બાજુ હરવા ફરવાના સ્થળોમાં મિની વેકેશન માણવા ભાવેણાવાસીઓ ઉમટી પડ્યા હતા.

આ દિવાળીના મહાપર્વે ફટાકડા, ફન અને ફુડનો ફેસ્ટીવલ મનાવવામાં નગરજનો વ્યસ્ત થયા છે. ગત બુધવારથી ભાવેણાવાસીઓ મોજ મજા માટે ઘરની બહાર નીકળી ગયા હતા અને રેકડીથી લઈને રિર્સોટ, હોટલ અને રેસ્ટોરામાં જઈને જ્યાફત ઉડાવશે એટલું જ નહીં મન રીલેક્ષ કરવા માટે મિત્રવર્તુળ અને સ્નેહીજનો સાથે નજીક હરવા-ફરવાના સ્થળોએ પહોંચી ગયા હતા.આમ ભાવેણાવાસીઓએ દિવાળીના મહાપર્વની આનંદ અને ઉમંગભેર પરંપરાગત રીતે ઉજવણી કરી હતી.

સર્કલોએ ખાણી પીણીની પરંપરાથી ટ્રાફિક જામ !!
ભાવનગર શહેરમાં તો સામાન્ય શનિવારની રાત અને રવિવાર પણ લોકો માટે બહાર જઇ જમવાનો દિવસ હોય છે તો પછી તહેવારમાં તો પૂછવાનું જ શું ? ભાવનગરની નામાંકિત હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી,પંજાબી ફિક્સ લંચ માટે લોકો ઉમટયાં હતા. તો એ બધી હોટેલ્સમાંથી ઘરે પાર્સલ લઇ જવાવાળા પણ અનેક લોકો હતા.સાંજે પણ સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, બ્રેડ પકોડા,પાંવ ગાંઠિયાથી લઇ પાંઉભાજી-પિત્ઝા અને ડિનર માટે હોટેલ પર જ લોકોએ પસંદગી ઉતારી હતી. શહેરના સર્કલોમાં ખાણીપીણીની ભીડ એટલી બધી હતી કે ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, સરદારનગર સર્કલ, ક્રેસન્ટ સર્કલ, નિલમબાગ સર્કલ, વિ. સર્કલો આસપાસના રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...