ધીમી ધારે અવિરત મેઘમહેર:સતત ત્રીજા દિવસે ભાવનગર અને ઘોઘામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં આજથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારના સમયથી બપોર સુધીમાં ભાવનગર શહેરમાં અને ઘોઘામાં બે ઇંચથી વધુ વરસાદ ધીમી ધારે વરસી ગયો હતો. જ્યારે સિહોરમાં અડધો ઇંચ, વલ્લભીપુર, ઉમરાળા, તળાજા ગારિયાધાર અને પાલિતાણામાં હળવા-ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી ગયો હતો. આજ સાંજ સુધીમાં જિલ્લામાં એવરેજ વરસાદ 411 મી.મી. થઇ ગયો છે. જે જિલ્લાના કુલ વાર્ષિક વરસાદ 595 મી.મી.ના 69.50 ટકા થઇ જાય છે. ભાદરવાના વરસાદે ભાવનગર જિલ્લામાં પાક અને પાણીનું ચિત્ર સુખદ કર્યું છે.

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. 2 ઇંચથી વધુ વરસાદ વરસી જતા શહેરમાં રેલવે સ્ટેશન, ખારગેટ, સ્ટેશન રોડ, કુંભારવાડા, મામા કોઠા રોડ,ખેડૂતવાસ, આનંદનગર, બોરડી ગેઇટ સહિતના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.સવારે શહેરમાં શાકભાજી તેમજ અન્ય ખોરાકની ચીજવસ્તુઓ લેવા ગયેલા તેમજ ઓફિસ કે શાળા-કોલેજે જવા નિકળેલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં સાંજ સુધીમાં 56 મી.મી. વરસાદ વરસી જતા આ સિઝનમાં કુલ વરસાદ 597 મી.મી. એટલે કે લગભગ 24 ઇંચ થઇ ગયો છે. જે સિઝનના કુલ વરસાદ 689 મી.મી.ના 86.59 ટકા થાય છે. શહેરમાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજી વરસાદ માહોલ યથાવત છે.

ભાવનગરને અડીને આવેલા ઘોઘામાં પણ 3 દિવસથી બે ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આજે ઘોઘામાં સવારથી વરસાદ વરસવો આરંભ થયો હતો અને 54 મી.મી. વરસાદ વરસી જતા ઘોઘામાં આ સિઝનમાં કુલ વરસાદ 517 મી.મી. થઇ ગયો છે. જ સિઝનના કુલ વરસાદ 613 મી.મી.ના 84.33 ટકા થાય છે. આજે સિહોરમાં 11 મી.મી. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. આ ઉપરાંત વલ્લભીપુરમાં 7 મી.મી., ઉમરાળામાં 6 મી.મી., તળાજામાં 5 મી.મી., ગારરિયાધારમાં 2 મી.મી. અને પાલિતાણામાં 1 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

ચાર દિવસ ભારે વરસાદ અને પવનની આગાહી
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન જે પરિપત્ર જાહેર કરાયો છે તેમાં તા.13થી તા.16 સપ્ટેમ્બર દરમિયાન 40 કિલોમીટરથી 50-60 કિલોમીટર સુધી દરિયાઇ તટે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હોય દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. સાથે ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.

ભાવ. જિલ્લામાં વરસાદ (સવારના 6થી સાંજના 6 સુધી )

ભાવનગર56 મી.મી.
ઘોઘા54 મી.મી.
સિહોર11 મી.મી.
વલલ્ભીપુર07 મી.મી.
ઉમરાળા06 મી.મી.
તળાજા05 મી.મી.
ગારિયાધાર02 મી.મી.
પાલિતાણા01 મી.મી.
અન્ય સમાચારો પણ છે...