શીત લહેર:11 ડિગ્રીએ સતત બીજા દિવસે શહેરમાં શીતપ્રકોપ યથાવત, 18 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ​​​​​​​સોમવારે​​​​​​​ 10.8 ડિગ્રીએ આ શિયાળાના સૌથી ઠંડા દિવસ બાદ મંગળવારે પણ પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતાથી જનજીવન પ્રભાવિત

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા બાદ ઠંડા પવન ભાવનગર સુધી આવી પહોંચતા શહેરમાં ગઇ કાલ સોમવારે આ શિયાળાનું રવિવારની રાત્રે 10.8 ડિગ્રી સાથે સૌથી ઓછું ઉષ્ણતામાન નોંધાગા બાદ આજે મંગળવારે પણ 11 ડિગ્રી સાથે શીતપ્રકોપ યથાતવ રહેતા લોકો શીત લહેરમાં ઠૂઠવાઇ ગયા હતા. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીના લીધે જનજીવન પ્રભાવિત થયું હતું. સાથે 18 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવનથી શીત લહેર દ્વિગુણિત બની હતી. હજી બે દિવસ શહેરમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.

હિમવર્ષાના પગલે બર્ફિલા પવન ગુજરાત સુધી આવી પહોંચતા પ્રકોપ છવાયો છે અને ભાવનગર શહેરમાં સોમવારની રાત્રે લઘુતમ ઉષ્ણતામાન 11 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતા અને સાથે 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓએ કર્યો હતો. બપોરે મહત્તમ તાપમાન પણ ઘટીને 22.7 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી શહેરમાં દરરોજ તાપમાન ઘટી રહ્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ 35 ટકા હતું તે આજે 6 ડિગ્રી વધીને 41 ટકા થયું હતું જ્યારે બર્ફિલા પવનની ઝડપ ગઈકાલે 14 કિલોમીટર હતી તે આજે 18 કિલોમીટર નોંધાઇ હતી.

આખો દિવસ કાતિલ પવન ફુંકાયો હતો. સૂકા અને ઠંડા પવન ફૂંકાતા શરદી, ઉધરસ, તાવના પણ કેસ વધ્યા છે. વહેલી સવારે અને રાત્રે શહેરના મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા અને મોડી સાંજથી જ શહેરમાં ચહલ-પહલ ઓછી જોવા મળી હતી. આમ સિઝનના સૌથી વધુ ઠંડા દિવસને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું

તાપમાનમાં ઘટાડો
તારીખલઘુતમ તાપમાન
11 જાન્યુઆરી11.0 ડિગ્રી
10 જાન્યુઆરી10.8 ડિગ્રી
09 જાન્યુઆરી11.6 ડિગ્રી
08 જાન્યુઆરી15.6 ડિગ્રી
07 જાન્યુઆરી15.6 ડિગ્રી
06 જાન્યુઆરી18.6 ડિગ્રી
05 જાન્યુઆરી19.0 ડિગ્રી

શિયાળાની અસર
ગરમ સ્વેટર, જેકેટ, હાથ-પગના ગરમ મોજા, ગરમ ટોપી, કાનપટ્ટી કેરીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે આ સાથે રાત્રે ખજૂરનું ગરમ દૂધ તાવો તેમજ વહેલી સવારે વેજીટેબલ જ્યુસ વગેરેનું વેચાણ શરૂ થઇ ગયું છે તો વોર્કર્સ અને જોગર્સની સંખ્યામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...