સફળ પ્રસુતિ:કોર્પો.ના ઈતિહાસમાં પ્રથમવાર આરોગ્ય કેન્દ્રમાં થઈ સફળ પ્રસુતિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના કાળીયાબીડ આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ, શિવાજી સર્કલ અને આનંદનગર આરોગ્ય કેન્દ્રમાં સુવિધા શરૂ કરાઈ

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં પણ ક્રમશઃ પ્રસુતિની સુવિધા શરૂ કરવામાં આવી છે અને ભાવનગર કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમવખત કાળીયાબીડના આરોગ્ય કેન્દ્ર ખાતે સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી. હેલ્ધી બાબો આવતા શ્રમિક પરિવારમાં પણ હરખ ફેલાયો હતો. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં પ્રસુતિ શરૂ થતાં હવે ખાસ કરીને આર્થિકરીતે પછાત વર્ગના લોકોને રાહત થશે.

ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ હસ્તક હાલમાં 13 આરોગ્ય કેન્દ્રો છે. જેમાં આરોગ્ય વિષયક સારી એવી સુવિધા મળી રહે છે. જોકે, હજુ સી.એચ.સી. માત્ર બિલ્ડીંગના ખોખા જ ઉભા છે તે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી છે જેને પણ નજર અંદાજ કરી શકાય નહીં. પરંતુ આરોગ્ય કેન્દ્રોમાં મોટાભાગની તબીબી સારવાર મળી રહે છે જે તેની સારપ પણ છે. સારી કામગીરી અને સુવિધામાં વધારો કરી એક પછી એક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય વિષયક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશન હસ્તકના આરોગ્ય કેન્દ્રો પૈકી હાલમાં કાળીયાબીડ, શિવાજી સર્કલ અને આનંદનગર ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસુતિની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં જ સિદસરના શ્રમજીવી પરીવારની મહિલાને કાળીયાબીડ આરોગ્ય કેન્દ્રમાં નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી. મહિલાને સાડા ત્રણ કીલોના સ્વસ્થ બાબાનો જન્મ થયો હતો. જેથી પરીવાર પણ ખુશ થયો હતો. સફળ પ્રસુતિમાં કાળીયાબીડ હેલ્થ સેન્ટરના ડો. દિવ્યરાજસિંહ ચુડાસમા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. જેમને કમિશનર એમ.એ.ગાંધી, આરોગ્ય ચેરમેન રાજેશ પંડ્યા, આરોગ્ય અધિકારી ડો.આર.કે.સિન્હા સહિતનાએ પણ આવકારી હતી.

કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં પ્રસુતિની સુવિધા શરૂ થતાં લોકોને વિનામૂલ્યે રહેણાંક નજીક સુવિધા પ્રાપ્ત થશે. અને સર ટી. હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ જવાની જરૂર નહી રહે. આગામી દિવસોમાં તમામ આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ સહિતની તમામ સુવિધા શરૂ કરવા તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...