ભાવનગર શહેરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા કોર્પોરેશન દ્વારા સખત કાર્યવાહી કરવાની યથાવત રાખતા છેલ્લા એક અઠવાડિયામાં જ 402 ઢોરને પકડીને ડબ્બામાં પૂરી દેવાયા છે. જે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની રહી છે.શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે રસ્તાઓ ઉપર પશુઓ છૂટા ન મુકવા તેમજ જાહેર સ્થળો ઉપર રજકાના વેચાણ પર પ્રતિબંધ મુકવા કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ જાહેરનામા બહાર પડાયા છે.
પરંતુ તે કાગળ પર જ રહી જતા આ વખતે ગત 22 મી ડિસેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડ્યા બાદ પહેલી સવારથી જ પશુત્રાસ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભાવનગર રાજકોટ રોડ, વડવા તલાવડી, ચાવડી ગેટ, આંબાવાડી, ટીવી કેન્દ્ર, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, ઘોઘા રોડ, ભરત નગર, કાળાનાળા, વિદ્યાનગર, સુભાષનગર, પ્રભુદાસ તળાવ, મામા કોઠા રોડ, હલુરિયા ચોક, રીંગરોડ સહિતના વિસ્તારોમાંથી 525 ગાયોને પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી છે.
હાલમાં કોર્પોરેશનના એરપોર્ટ રોડ તેમજ અખિલેશ સર્કલના ઢોર ડબ્બા પણ ભરચક થઈ ગયા છે. તેમજ વધુ એક ઢોર ડબ્બો કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગની જગ્યામાં ઉભો કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ રજકા ડ્રાઈવ પણ શરૂ રહેતા આજે કમિશનરના ધ્યાન પર આવતા ટ્રક ભરીને કડબ જપ્ત કરવામાં આવ્યો છે અને દંડનીય કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.