ક્રૂઝ માલિકોની આર્થિક હાલત કથળી:ક્રૂઝને મુસાફરો મળતા નથી, અલંગના 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં 14 ક્રૂઝ ભંગાવા આવ્યા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અગાઉ પ્રતિ વર્ષ સરેરાશ માંડ 2 પેસેન્જર શિપ અંતિમ સફરે આવતા

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ વર્ષમાં 14 ક્રૂઝ જહાજો ભાંગવા માટે આવી પહોંચતા ત્રાપજથી અલંગ સુધીની 7 કિ.મી.ની સેકન્ડ માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં લકઝરી ક્રૂઝ જહાજનો માલસામાન જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ક્રૂઝ ઇન્ડસ્ટ્રીઝ સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલી છે. અને છેલ્લા 10 વર્ષમાં અલંગ ખાતે પહોંચેલા ક્રૂઝ જહાજોની કુલ સંખ્યાની સમકક્ષ ક્રૂઝ શિપ છેલ્લા એક વર્ષમાં આવી પહોંચ્યા છે.

અલંગના પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અલંગના અગાઉના ડેટા પર નજર નાંખતા જણાય છે કે, પ્રતિ વર્ષ સરેરાશ 2 ક્રૂઝ જહાજ માંડ ભંગાવા માટે અલંગમાં આવતા હતા. પરંતુ છેલ્લા 12 મહિનામાં ક્રુઝ જહાજો મોટી સંખ્યામાં આવ્યા હતા. નવેમ્બર 2020 થી ઑક્ટોબર 2021 વચ્ચે આવેલા 14 પેસેન્જર જહાજો અલંગમાં એક વર્ષમાં જોવા મળેલ સૌથી વધુ છે. ક્રૂઝની સંખ્યા એટલી વધુ છે કે છેલ્લા 12 મહિનામાં અલંગના દરિયા કિનારે આવેલા 150 જુદા જુદા પ્રકારના જહાજોમાં ક્રૂઝ જહાજોનો હિસ્સો 10 ટકા છે.

ક્રૂઝ જહાજો સામાન્ય જહાજની સરખામણીમાં વધુ રોજગારીનું નિર્માણ કરે છે, અને 350થી 400 કર્મચારીઓ મધ્યમકદના ક્રૂઝમાં કાર્યરત હોય છે. છેલ્લા 18 મહિના દરમિયાન ક્રુઝ ટુરિઝમને ફટકો પડ્યો હોવાથી, સ્ટાફના પગાર, મરામતનો ખર્ચ, પોર્ટના ખર્ચા સહિતની બાબતોએ ક્રૂઝના માલીકોની આર્થિક હાલત પાતળી બનાવી નાંખી હતી અને તેઓ પોતાના જહાજો વેચવા માટે આગળ આવ્યા હતા.

છેલ્લા એક વર્ષ દરમિયાન અલંગમાં ભંગાવા માટે આવી પહોંચેલા ક્રૂઝ જહાજો પૈકી શ્રીરામ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલું ક્રૂઝ શિપ કર્ણીકા સૌથી મોટુ અને સૌથી મોંઘુ હતુ. 31,046 LDT નું વજન ધરાવતું કર્ણિકા, 614 ક્રૂ સભ્યો સાથે, લોકડાઉન પછી કામગીરી ફરી શરૂ કરવામાં નિષ્ફળ રહી અને કોવિડ તબક્કા દરમિયાન અલંગ પહોંચનાર પ્રથમ જહાજ હતું. અલંંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કોરોનાકાળથી અત્યારસુધીમાં 14 ક્રુઝ જહાજો ભંગાઇ ચૂક્યા છે.

અલંગની આજુબાજુની 11 કિ.મી.ની રીટેલ માર્કેટમાં ક્રુઝ જહાજોના સામાન વેચાણાર્થે આવી રહ્યા છે. અગાઉ કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, કોલમ્બસ, મેગેલાન, ઓશન ડ્રીમ, અલ્બાસ્ટ્રોસ, માર્કોપોલો, મેટ્રોપોલીસ, સ્ટ્રે મેટ્રોપોલીસ, લીઝર વર્લ્ડ, એમ્યુઝમેન્ટ વર્લ્ડ જેવા ક્રુઝ શિપ અલંગમાં આવી ચૂક્યા છે. જો કે, ઓક્ટોબર-2021થી વૈશ્વિક ફલક પર ક્રૂઝ ઇન્ડસ્ટ્રીઝની ધીમી છતા મક્કમ ગતિએ પુન: શરૂઆત થઇ ચૂકી છે, તેથી હવે વધુ ક્રૂઝ જહાજો ભંગાણાર્થે આવવાની શક્યતાઓ નહીંવત હોવાનું શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના જોઇન્ટ સેક્રેટરી હરેશભાઇ પરમારે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...