ગુજરાતભરમાં પીટીસી જે હવે ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન (D.El.Ed.)ના નામે ઓળખાય છે આ બે વર્ષના કોર્સની પરીક્ષા આગામી તા.24 એપ્રિલથી 3 મે દરમિયાન જુદા જુદા બે સેશનમાં લેવામાં આવશે અને દરેક સંસ્થાઓને ઓનલાઇન વેબસાઇટ www.sebexam.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો તા.10 એપ્રિલથી તા.24 એપ્રિલ દરમિયાન રહેશે. નોંધપાત્ર બાબતે એ છે કે છેલ્લાં 15 વર્ષમાં પીટીસીના કોર્સીસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
15 વર્ષ પૂર્વે રાજ્યમાં 430 જેટલી સંસ્થાઓ હતી તે આજની તારીખે હવે ઘટીને 95 થઇ થઇ છે તેમાં 6000 વિદ્યાર્થીઓ છે તેમ ગુજરાત રાજ્ય પીટીસી સંગઠનના લાભુભાઇ ચાવડાએ જણાવી આ માટે ખાસ તો પૂરતા પ્રમાણમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી થતી નથી અને સાથે 2018 બાદ રાજ્યમાં ટેટની પરીક્ષા પણ લેવામાં આવી નથી. જેથી સંખ્યા ઘટતી જાય છે.
એક સમયે માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં જે કોર્સનો ડંકો વાગતો હતો અને પ્રવેશ માટે કેટ કેટલાય ધક્કા અને અત્યંત મહેનત કરવી પડતી અને ખુબ ઉંચુ મેરિટ રહેતું તે પીટીસી કોર્સના હવે સાવ વળતા પાણી છે. હાલ સમગ્ર રાજ્યમાં 95 જેટલી પીટીસી કોલેજો આવેલી છે જેમાં 11 સરકારી, 35 ગ્રાન્ટેડ અને બાકીની ખાનગી સંસ્થાઓનો સમાવેશ થઇ જાય છે.
તેમાં બન્ને વર્ષના થઇ કુલ 6,000 જેટલા તાલીમાર્થીઓ છે. આ તમામની વાર્ષિક પરીક્ષા તા.24 એપ્રિલથી શરૂ થશે. ગુજરાતમાં પીટીસીની સંસ્થાઓમાં શિક્ષકોની ભરતી યોગ્ય રીતે થશે તો તાલીમાર્થીઓની સંખ્યા વધે તેમ છે. આ પરીક્ષામાં પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી અને બીજા વર્ષના તાલીમાર્થીઓને પરીક્ષાનો સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. અગાઉ તા.6થી 13 ફેબ્રુઆરી દરમિયાન તાલીમી સંસ્થા દ્વારા તમામ બાહ્ય પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હતી.
હોલ ટિકિટ ઉમેદવારોને 10 એપ્રિલથી અપાશે
આ બાહ્ય પરીક્ષા આંતરિક પરીક્ષાના ગુણપત્રકો ડાયેટ દ્વારા ઓનલાઇન એન્ટ્રી તા.24 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન કરવાની રહેશે. સંસ્થાઓએ ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરીને ઉમેદવારોને આપવાનો સમયગાળો 10 એપ્રિલથી 24 એપ્રિલ રહેશે. તમામ પ્રશ્નપત્રો વર્ણનાત્મક પ્રકારના રહેશે. જે પેપર અને કોર્સમાં વિભાગ એ અને બી છે તે પેપર સળંગ 70 માર્કનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.