તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સામે ખતરો:જાહેર શૌચાલયો અને યુરિનલને અડીને વેચાય છે ખાદ્ય પદાર્થો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંખ આડા કાન, ફુડ વિભાગ દ્વારા ખુલ્લેઆમ ચાલતા રેંકડીઓ સામે કોઈ પગલા લેવાતા નથી
  • ગંદકી અને દુર્ગંધયુક્ત વાતાવરણમાં સ્થળ પર જ લોકો આરોગે છે ખાણીપીણીની ચીજવસ્તુઓ

ભાવનગર શહેરમાં કોરોના શાંત પડતા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. પરંતુ સાથો સાથ ગંદકીની ઓથે ખાણી પીણીની ચીજ વસ્તુંનું વેચાણ અને હોટલ અને ખાણીપીણીની લારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરાઈ રહ્યા છે. તેમ છતાં આરોગ્ય જાળવણીની બડાશ હાંકતું તંત્ર માયકાંગલું થઇને બેઠું છે. શહેરમાં અનેક વિસ્તારમાં જાહેર શૌચાલયો અને મુતરડીઓને અડીને જ લોકોને ખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે. જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે.

ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વરસે દા’ડે ખાદ્ય પદાર્થોના નમુના લઈ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલે છે. અને જો તેમાં મિસ બ્રાન્ડ કે ભેળસેળ આવે તો તેને દંડ ફટકારે છે. તે પણ તંત્રને મન પડે ત્યારે અને મન પડે તેની દુકાને જઈ નમુના લેવામાં અાવે છે. પરંતુ જગજાહેર છડે ચોક લોકોના આરોગ્ય સાથે થતાં ખીલવાડ દેખાતા નથી. લોકોના આરોગ્યને હાની પહોંચે તે રીતે ખાદ્ય પદાર્થ લોકોને પીરસી રહ્યા છે તે દેખાતું નથી. કોઈ સામાન્ય કે આર્થિક રીતે નબળા વર્ગના ધંધાર્થીઓ સામે કડકાઈની વાત નથી પરંતુ લોકોના આરોગ્યને દાવ પર મુકવા સામે તો ચોક્કસ તંત્રએ અટકાવવા જ જોઈએ.

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં મોટાભાગના જાહેર શૌચાલયો અને યુરિનલની દિવાલને અડીને અથવા તેની એકદમ નજીક ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સ્થળ પર જ ખવરાવતા હોય છે. શહેરમાં જાહેર શૌચાલયોની ગંદકી અને દુર્ગંધ આરોગ્ય માટે હાનીકારક હોવા છતાં ફુડ વિભાગ દ્વારા એકવાર પણ તેના પૃથક્કરણ માટેની તસ્દી લીધી નથી. જેમાં પ્રજા પણ એટલી જ દોષિત છે. બાજુમાં જ જાહેર શૌચાલય હોવા છતાં અને દુર્ગંધ આવતી હોવા છતાં ટેસથી લારી પર આરોગતા હોય છે.

102 પાણી પુરીવાળાના નમુના લીધા હતા
કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા હંમેશા હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોમાંથી જ શંકાના આધારે ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા છે. પરંતુ કદાપી લારીઓમાંથી નમુના લેવામાં આવતા નથી. જાણે ફુડ વિભાગને આત્મજ્ઞાન હોય કે લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્યને હાનિકારક નથી. પરંતુ થોડા સમય પહેલાં જ ફૂડ વિભાગની ટીમે એક સાથે ડ્રાઈવ કરી 102 પાણીપુરીની લારીઓના નમૂના લીધા હતા. અને તેના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

આરોગ્યને હાનિકારક વેચાણ માટે ફોજદારીની જોગવાઈ
ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓને શંકાના આધારે ખાદ્ય પદાર્થનો નમુના લઇ તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના રિપોર્ટના આધારે દંડનીય કાર્યવાહી અને આરોગ્યને હાનીકારક ખાદ્ય પદાર્થ વેચવા બદલ ફોજદારી કાર્યવાહી સાથે જેલની સજાની પણ જોગવાઈ છે. - મનીષ પટેલ, સિનિયર ફુડ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...