તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપેક્ષા:ભાવનગર બંદર પર ફાયર સીસ્ટમ કોંક્રિટ જેટી, રસ્તાના પ્રશ્નો યથાવત્

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએમબી માટે કમાઉ દીકરા સમાન બંદરની ઉપેક્ષા

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) માટે કમાઉ દીકરા સમાન ભાવનગર પોર્ટની સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. પોર્ટમાં મુખ્યત્વે કોલસાનો કાર્ગો આવે છે પરંતુ જ્વલનશિલ ગણાતા કોલસાના હેન્ડલિંગ વચ્ચે ફાયર સેફ્ટ સીસ્ટમની બાબતે પોર્ટ દ્વારા ઠંડુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંક્રિટ જેટી, આંતરીક રસ્તા જેવા પ્રશ્નો પણ અણઉકેલ હોવા છતા પ્રતિ વર્ષ અહીં નોંધપાત્ર કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગર બંદર પર મુખ્યત્વે નિરમા લિમિટેડનો કોલસો અને લાઇમ સ્ટોનની આવક હોય છે. એન્કરેજ પોઇન્ટથી બેસિન સુધીની ચેનલમાં મોટી ક્ષમતાના બાર્જને સમસ્યાઓ નડી રહી છે. ઉપરાંત લોકગેટ વર્ષોથી જર્જરીત અવસ્થામાં છે અને તેને થીંગડા મારી અને રગશીયા ગાડાની જેમ ગબડાવવામાં આવી રહ્યો છે.ભાવનગર બંદર પર એન્કરેજ પોઇન્ટ પરથી કાર્ગો લઇને આવતા બાર્જ કોંક્રિટ જેટી પર લાંગરે છે અને તેમાંથી કાર્ગો અનલોડ કરવામાં આવે છે. આ કોંક્રિટ જેટીમાં પણ ઠેર ઠેર ગાબડા પડ્યા છે.

જીએમબી દ્વારા ભાવનગર નવા બંદર પર કોલસાના કાર્ગોની જબ્બર આવકને ધ્યાનમાં રાખી અને કરોડો રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટી સીસ્ટમ ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી, પરંતુ બદનસીબે આ ફાયર સીસ્ટમ કાર્યરત થાય તે પહેલા તો જર્જરીત બની ગઇ અને બિનઉપયોગી અવસ્થામાં ગરકાવ થઇ ગઇ છે. હાલ કોલસાની આવક વચ્ચે જો આગના બનાવ બને તો ભાવનગર શહેરમાંથી અગ્નીશામક સાધનો બોલાવવા પડે તેવી પરિસ્થિતિ છે. લાંબા સમયથી આ પ્રશ્ન ટલ્લે ચડી રહ્યો છે.

ડ્રેજીંગની બાબતમાં ભાવનગર બંદર સાથે વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. ભાવનગર બંદરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખતા અહીં નવા બંદરની બેસિન અને એન્કરેજ સુધીની ચેનલમાં સતત ડ્રેજીંગની અાવશ્યક્તા છે.

જેટીનું કામ શરૂ, અન્ય પ્રશ્નો ઉકેલાઇ જશે
ભાવનગર બંદર પર કોંક્રિટ જેટીમાં જરૂરીયાત મુજબનું રિપેરિંગ કામ શરૂ છે. આંતરિક રસ્તા, ડ્રેજીંગ, લોકગેટ, ફાયર સેફ્ટી સીસ્ટમ સહિતની બાબતો અંગે વડી કચેરીએથી સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોર્ટના વિકાસ માટે જીએમબી કાર્યરત છે. > કેપ્ટન રાકેશ મિશ્રા, પોર્ટ ઓફિસર, ભાવનગર બંદર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ.

અન્ય સમાચારો પણ છે...