તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકશન:ફાયર સેફ્ટી ન હોય 4 હોસ્પિટલના દર્દીઓ અન્ય ખસેડવા નોટિસ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે મધ્ય રાત્રિએ કોવિડ સેન્ટરમાં આગ ભભૂક્યા બાદ 8 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટેની કાર્યવાહી શરૂ
  • 36 હોસ્પિટલ પૈકી 18 હોસ્પિટલે લઈ લીધા ફાયર NOC
  • તંત્રને દર્દીઓને સારવાર મળી રહે સાથે ફાયર સેફ્ટીની કડકાઈમાં સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ

ભાવનગર શહેરના કાળુભા રોડ પર જનરેશન એક્સમાં કોવિડના દર્દીની સારવાર માટે ચાલતી સમર્પણ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની તો થઈ ના હતી પરંતુ શહેરની 36 કોવિડના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ પૈકી 18 પાસે જ ફાયર સેફ્ટીનું NOC છે. અને તેમાં પણ અન્ય હોસ્પિટલમાં તો ફાયર ઈન્સ્ટોલેશન શરૂ છે પરંતુ 4 હોસ્પિટલ તો અવારનવારની નોટીસ છતાં ફાયર સેફ્ટી બાબતે ગંભીરતા નહીં લેતા તેને કોવિડની સારવાર બંધ કરી હાલના 52 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટીસ ફટકારી છે. જોકે, તંત્રને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાયો છે. માનવતાના ધોરણે સીલ પણ ના મારી શકે અને ફાયર સેફ્ટીમાં બેદરકારી પણ ચલાવી ના શકે.

દર્દીઓની સારવારની છૂટને ઘણી હોસ્પિટલો ફાયર સેફ્ટીની પણ છૂટ હોવાનું માની લે છે. પરંતુ ફાયરબ્રિગેડ વિભાગ હોસ્પિટલોને વારંવાર નોટિસ આપી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ભાવનગર શહેરની કોવિડ દર્દીઓની સારવાર કરતી 36 હોસ્પિટલો પૈકી 18 હોસ્પિટલે તો ફાયર NOC પણ લઈ લીધા છે. અને 8 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવાની કાર્યવાહી શરૂ છે.

પરંતુ 4 હોસ્પિટલ તો એવી છે કે જેમને વારંવાર તાકીદ કરવા છતાં ફાયર સેફટીની સુવિધા ઊભી કરવાનું જરાય આયોજન નથી. જેથી તે હોસ્પિટલોને ચીફ ફાયર ઓફિસર દ્વારા નોટિસ આપી દર્દીઓને અન્યત્ર ખસેડવાની વ્યવસ્થા કરવા પણ તાકીદ કરવામાં આવી છે. જેમાં દરબારગઢ વિસ્તારમાં આવેલી લાખણી હોસ્પિટલ, કાળુભા રોડ પર વર્ધમાન હોસ્પિટલ, શાસ્ત્રીનગર દીપ દર્શન કોમ્પલેક્ષમાં આવેલી ઓમ નર્સિંગ એન્ડ આઈ.સી.યુ.કેર અને ઘોઘા જકાતનાકા શિવાજી સર્કલ ખાતે આવેલી પરિવાર જનરલ હોસ્પિટલમાં ફાયર સેફટી બાબતે ગંભીર બેદરકારી દાખવતા તેમાં દાખલ દર્દીઓ આગ જેવી ઘટનાઓનો ભોગ ન બને તે માટે અન્યત્ર સારવાર અર્થે ખસેડવામાં સુચના આપવામાં આવી છે.

કંઈ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંપૂર્ણ નથી
કોવિડના દર્દીઓને સારવાર માટે ભાવનગર શહેરની હોસ્પિટલ પૈકી 10 હોસ્પિટલ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા નથી જેમાં વીરભદ્ર શોપિંગ સેન્ટરમાં નીલમ સર્જીકલ હોસ્પિટલ, સિંધુનગર ગોપાલક છાત્રાલયમાં માધવ કોવિડ કેર, ભરતનગર મંગલમહોલ લાઇફ હેલ્થ કેર કોવિડ સેન્ટર, રેલ્વે હોસ્પિટલ, હોટલ સન એન્ડ સાઈનમાં મેટ્રો કોવિડ કેર સેન્ટર, માધવ જ્યોત કોમ્પલેક્ષમાં સમર્પણ હોસ્પિટલ, દરબારગઢ પાસે લાખાણી હોસ્પિટલ, કાળુભા રોડ પર વર્ધમાન હોસ્પિટલ, શાસ્ત્રીનગરમાં ઓમ નર્સિંગ એન્ડ આઈસીયુ કેર તેમજ ઘોઘાજકાતનાકા ખાતે પરિવાર જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની અસુવિધા છે. જે તમામને ચિફ ફાયર ઓફિસર દ્વારા નોટીસ ફટકારી છે.

4 હોસ્પિટલને દર્દી ખસેડવા નોટીસ
ભાવનગર શહેરની ચાર હોસ્પિટલોને કે જ્યાં કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા વારંવાર સૂચના આપવા છતાં કોઈ ગંભીરતા લેવામાં આવી નથી જેથી તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અન્યત્ર ખસેડવા નોટિસ અપાય છે. > ડો.મહેશ હિરપરા, ચીફ ફાયર ઓફિસર

આગ બાદ મોટા ભાગના દર્દીઓ અન્યત્ર રિફર કરાયા
કાળુભા રોડ પર સમર્પણ કોવિડ સેન્ટર જનરેશન એક્સ હોટલના રૂમ નં. 308ના ટીવીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ બાદ અફરાતફરી મચી હતી. આ ઘટના બાદ કોવિડ સેન્ટરના કુલ 68 દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓને સર ટી. તેમજ અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

કોવિડ સેન્ટરના રૂમ નં. 308ના LCD ટીવીમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રાય કેમિકલ પાવડરનો છંટકાવ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી. આ કોવિડ સેન્ટરમાં કુલ 68 કોરોના દર્દીઓ હતા. જેમાંથી 58 દર્દીઓને વહીવટી તંત્ર દ્વારા અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 10 દર્દીઓ હાલ આ સેન્ટરમાં સારવાર મેળવી રહ્યાં છે. તેવું ફાયર વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું. જ્યારે જે રૂમમાં આગ લાગી હતી તેમાં પ્રતાપભાઈ સંઘવી અને જીજ્ઞેશભાઈ પંડ્યા નામના બે દર્દીઓ હતા જેઓ તુરંત રૂમની બહાર નિકળી ગયા હતા.

એકાએક એલાર્મ વાગ્યું અને અમે દોડ્યા
મારી બાજુમાં રહેલા પેશન્ટે અચાનક ટીવીના બોર્ડમાં તીખારાં થતાં જોયા અને ધુમાડો થતાં ફાયર આલાર્મ વાગ્યો તેથી અમે ડરીને અમારો ફોન લઈ અને ત્યાંથી બહાર નિકળી ગયા ત્યાંથી અમને 108 મારફત માધવજ્યોતમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અમારી ફાઈલને બધુ ત્યાં જ હતું જે અમને સવારે અહીં હોસ્પિટલમાં મળી ગયું હતું. > જીજ્ઞેશભાઈ, કોવિડ પેશન્ટ

અન્ય સમાચારો પણ છે...