ભાવનગર શહેરના અલગ અલગ બે વિસ્તારમાં અગનજની ના બે બનાવમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો તથા કરીયાણાની દુકાનમાં રહેલો સામાન સળગી રાખ થઈ જવા પામ્યો હતો. બંને ઘટનાઓમાં ફાયરબ્રિગેડે સ્થળપર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, આજરોજ વહેલી સવારે શહેરના તળાજા જકાતનાકાથી સિદસર તરફ જવાના રોડપર સ્વસ્તિક પાર્કમાં હાર્દિક કરીયાણા સ્ટોર નામે દુકાન ધરાવતા ઘનશ્યામ રવિશંકર જાળેલાએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે, તેની માલિકીની દુકાનમાં આગ લાગી છે જે કોલ આધારે ટીમે તત્કાળ ઘટના સ્થળે પહોંચી એક કલાક પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.
બીજા એક બનાવમાં કુંભારવાડા રેલ્વે ફાટક પાસે આગ લાગી હોવાનાં સમાચાર મળતા ટીમ તત્કાળ સ્થળપર દોડી આવી હતી. જ્યાં ગુજરાત ગેસ કંપની દ્વારા ખુલ્લા મેદાનમાં રાખેલ પ્લાસ્ટિક પાઈપનો જથ્થો સળગી ઉઠ્યો હતો આ આગને પગલે દૂર દૂરથી ધૂંમાડાના કાળાં ભમ્મર ગોટેગોટા નઝરે ચડ્યાં હતા આથી અહીં પણ ફાયરબ્રિગેડે એક કલાક પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બંને બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.