નોટીસની નૌટંકી:હાઇકોર્ટે હાંક્યા બાદ તંત્ર દોડતું થયું, ફાયર અને BU મંજુરી વગરની મિલકતોની શોધ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા ત્રણ દિવસમાં 80 મિલકતોને ફટકારી નોટીસ
  • 232 મિલકતો પાસે બીયુ પરમિશન જ નથી, અગાઉ પણ નોટીસો બાદ કડકાઈ શરૂ કરતા જ બ્રેક લાગી હતી

હાઇકોર્ટની કડકાઈ બાદ ભાવનગર કોર્પોરેશન એ પણ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં પાંચ ટીમ બનાવી બીયુ પરમિશન અને ફાયર સેફટીનો સર્વે હાથ ધર્યો છે. ફાયર સેફ્ટીનો અભાવ હોય અને બીયુ પરમીશન ના મેળવી હોય તેવી 80 મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક, કોમર્શિયલ, રહેણાંકી, મિક્સ અને હોસ્પિટલો સહિતનાને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ છે. વર્ષ 2009 થી અત્યાર સુધી બીયુ પરમિશન મેળવી ન હોય તેવી શહેરમાં 232 મિલકતો છે. પરંતુ 2009 પૂર્વેની પણ તમામ મિલકતોનો હાલમાં સર્વે અને નોટિસો આપવાની કાર્યવાહી શરૂ છે. નોટિસ મળતાં જ બિલ્ડરો અને મિલકતધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ભાવનગર કોર્પોરેશન માત્ર નોટિસો આપી મન મનાવી રહ્યું છે. ભાવનગર ફાયર બ્રિગેડે અગાઉ પણ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, કોમ્પ્લેક્સોં, હીરાના કારખાનાઓને નોટીસો પણ આપી હતી અને શીલ પણ માર્યા હતા. પરંતુ છટકબારીઓ અને રાજકીય દખલગીરીનો તુંટો નથી. હાલમાં સીલ મારેલી તમામ મિલકતોમાં વ્યવસાય કારોબાર ધમધમે છે.

થોડા સમય પૂર્વે જ પીઆઈએલ સંદર્ભે હાઈકોર્ટે આપેલા ડાયરેક્શન બાદ ભાવનગર કોર્પોરેશન પણ દોડતું થયું છે. ફાયર સેફટીને લાગુ પડતી હોય તેવી ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલોપમેન્ટ વિભાગમાં આવતી મિલકતોનો સર્વે કરી બીયુ પરમિશન મેળવી ન હોય અને ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. લીધું ના હોય તેવી તમામ ફાયર સેફ્ટીના ક્રાઈટેરિયામાં આવતી મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે. ટાઉન ડેવલોપમેન્ટની ત્રણ અને ટાઉન પ્લાનિંગની બે ટીમો સર્વે અને નોટિસ માટે નીકળી પડી છે. છેલ્લા ત્રણ દિવસમાં બીયુ પરમિશન ફાયર સેફટી સંદર્ભે 80 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવ્યું છે.

શૈક્ષણિક સંસ્થા, કોમર્શિયલ કોમ્પલેક્ષ, હાઇરાઈઝ બિલ્ડીંગ, જ્ઞાતિની વાડીઓ, 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ફાયર સેફટીનો અભાવ વાળી તમામ રહેણાંકી અને કોમર્શીયલ બિલ્ડીંગો, હોસ્પિટલ, ઔદ્યોગિક બિલ્ડીંગ સહિતને નોટિસો આપવામાં આવી રહી છે. જેમાં બીયુ પરમિશન માટે 267 ની નોટિસ કે જેમાં ચાર દિવસમાં આધાર રજૂ કરવા તેમજ ફાયર સેફટી માટે દસ દિવસમાં પ્રક્રિયા કરવા નહી તો સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.

વર્ષ 2009 પૂર્વેના બિલ્ડીંગના બીયુ પરમીશનનો ડેટા નથી
ભાવનગર મહાનગરપાલિકા પાસે વર્ષ 2009 બાદથી મિલકતોના બીયુ પરમિશનનો ડેટા ઉપલબ્ધ છે. જે મુજબ 144 ટાઉન ડેવલોપમેન્ટ અને 88 ટાઉન પ્લાનિંગ વિભાગ હસ્તકની મિલકતોના બીયુ પરમિશન મેળવ્યા નથી. પરંતુ હાઇકોર્ટના ડાયરેક્શનને કારણે હાલમાં 2009 પૂર્વેની તમામ જૂની મિલકતોનો પણ સર્વે હાથ ધરાયો છે. અને સર્વે દરમિયાન બીયુ પરમિશન કે ફાયર એનઓસી ના હોય તેમને સ્થળ પર જ નોટીસ આપી દેવામાં આવે છે.

કોને જરૂર છે ફાયર NOC?
> 15મી. કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ હાઈરાઈઝ બિલ્ડીંગ > 500 મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતી હોટલ, શૈક્ષણિક સંસ્થા, ઈન્સ્ટીટ્યુશનલ, વ્યવસાયિક, સ્ટોર, મિક્સ કોમ્પલેક્ષ, જોખમી ચીજવસ્તુઓનું વેચાણ કરતા, વેપારી એકમો. > 9મી.થી વધુ ઉંચાઇ ધરાવતી શૈક્ષણિક સંસ્થા અને ઈન્સ્ટીટ્યુટ. > દરેક એસેમ્બલી બિલ્ડીંગ. > મલ્ટીલેવલ કાર પાર્કિંગ. > ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ.

અન્ય સમાચારો પણ છે...