શાસકનું ખાડા પુરાણ:ચૂંટણી ટાણે લોકો અરીસો બતાવે તે પૂર્વે ખાડા પુરો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખને જિલ્લાની મુલાકાતથી હકીકતનો ચિતાર થશે
  • સરકારી ચોપડે​​​​​​​ ખોટું ચિતરામણ, જિલ્લાની 6 પાલિકામાં 303 ખાડા જ પડ્યા અને આખા વલ્લભીપુરમાં તો 2 જ ખાડા

આગામી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ પાસે કોઈ મુદ્દો પ્રજાને આકર્ષવા માટે રહ્યો નથી. વિકાસ કાર્યો દર્શાવે તો હાલમાં બિસ્માર રોડને કારણે હાડમારી વેઠી રહેલા લોકો ભાજપને અરીસો બતાવે તેમ છે. જેથી ચૂંટણી પહેલા રોડની સિકલ બદલી લોકોના માનસપટ પર છવાયેલા રોડના ખાડાને પુરવા માટે દોડાદોડ ચાલે છે. પરંતુ તેમાં પણ સરકારી ચોપડે ખોટું ચિતરામણ કરવામાં કંઈ બાકી રહેતું નથી.

ભાવનગર જિલ્લાની 6 નગરપાલિકા વિસ્તારમાં માત્ર 303 ખાડા જ દેખાયા છે. અને આટલા મોટા મહુવામાં 17 જ્યારે વલ્લભીપુરમાં તો માત્ર 2 જ ખાડા સરકારને દેખાયા છે. ત્યારે વન ડે વન ડિસ્ટ્રીક્ટ માટે આવતીકાલ તા.3 ના રોજ આવતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલને શાસકો ડિસ્ટ્રીક્ટમાં મુલાકાત લેવરાવે તો વાસ્તવિકનો ખ્યાલ પડે.

ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાળ રિપેર કરવાં માટે ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીના તાબા હેઠળની 27 નગરપાલિકાઓમાં ચુંટણીમાં વિપરીત પરીણામના ડરે યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં સરકારી ચોપડે ચિતરેલા નાના-મોટા 1156 ખાડાઓમાંથી 937 ખાડાઓનું રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે.

બાકી વધેલાં 145 ખાડાઓનું પણ તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લાની શિહોર 25, પાલીતાણા નગરપાલિકામાં 127, તળાજામાં 57, ગારીયાધારમાં 75, મહુવામાં 17 સહિત વલ્લભીપુર નગરપાલિકામાં 2 ખાડાઓ ઓળખીને તેનું રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકા કમિશનર કચેરીના અધીક કલેકટરે જણાવ્યું છે. આટલા મોટા મહુવા માત્ર 17 અને આખા વલભીપુરમાં માત્ર બે ખાડા ઓછી બુદ્ધિ વાળાને પણ ગળે ઉતરે તેવી વાત નથી.

અન્ય સમાચારો પણ છે...