સામાન્ય જનતાના પરિવહન માટે આશિર્વાદ સમાન બનેલી અને સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટાડનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હાલ તો અલ્પવિરામમાં છે, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફેરી સર્વિસ પર પૂર્ણવિરામ મુકાઇ જવાની પૂર્ણ શક્યતાઓ છે.
રોડ પર પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે અને હવાઇમાં ઉડાન સ્કીમને ઇંધણમાં સરકારી સબસીડી મળે છે તેના કારણે આવી સેવાઓને સામાન્ય જનતાને પોસાણ થાય તેવા દરથી ઉપલબ્ધ કરાવી શકાય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પાયલોટ પ્રોજેક્ટ સમાન ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને સબસીડીયુક્ત ઇંધણ પુરૂ પાડવા માટે સંબંધિત મંત્રાલયને ઓપરેટરો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા વાત ધ્યાને લેવાઇ રહી ન હતી.
જહાજમાં ઇંધણ તરીકે વિવિધ પ્રકારના ઓઇલ-ડીઝલ ઉપયોગમાં આવે છે, તે પૈકી VLFSOનો ભાવ જુલાઇ-2021માં રૂ.40 પ્રતિ લિટર હતો તે અત્યારે 88 છે. લો સલ્ફર હાઇ સ્પીડ ડીઝલનો ભાવ 79 હતો તે અત્યારે 124 થઇ ગયો છે. તેની સામે ફેરી સર્વિસનો ઉપયોગ સામાન્ય જનતા કરી રહી હોવાથી અને રેલવે-રોડ પરિવહનની સરખામણીએ પોસાણ થાય તેવા ભાવ રાખવા ઓપરેટરો માટે જરૂરી હોય છે. તેથી ઇંધણના વધેલા ભાવનો વધારો સામાન્ય જનતા પર પરિવર્તિત કરી શકાતો નથી તેમ ફેરી ઓપરેટરોના વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.
ઘોઘા-હજીરા વચ્ચે ચાલતુ વોયેજ સીમ્ફની જહાજ 28મી ઓક્ટોબર 2018ના રોજ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવ્યુ હતુ. અને દહેજમાં ડ્રેજીંગની સમસ્યાઓને કારણે 23મી સપ્ટેમ્બર 2019ના રોજ આ સેવા પર પૂર્ણવિરામ લાગી ગયુ હતુ. આમ માત્ર 11 માસમાં ઘોઘા-દહેજ રૂટ બંધ થઇ ગયો હતો. દહેજ ખાતે ટર્મિનલ, પોન્ટૂન, લિન્ક સ્પાન, બંડ, જેટી, ડ્રેજીંગ પાછળ ખર્ચાયેલા 300 કરોડ દરિયાના પાણીમાં વહી ગયા હતા. વર્ષ 2015માં નિર્મિત વોયેજ સીમ્ફની જહાજ ઓપરેટરો દ્વારા લાવવામાં આવ્યા બાદ હવામાન, શિપ મરામત, અન્ય પરિબળોને કારણે 50 મહિનામાંથી 21 મહિના બંધ રહ્યું હતુ.
જાન્યુઆરીથી નવું જહાજ ડ્રેજીંગની રાહમાં
ફેરી ઓપરેટરો દ્વારા 750 મુસાફરો, 100 ટ્રક, ડીસ્કો થેક, રેસ્ટોરન્ટ, કેબિનો, સ્પોર્ટ્સ એરેના સહિતની સુવિધા વાળુ ફાસ્ટ જહાજ લાવવામાં આવ્યુ છે. આ શિપ ઘોઘા-હજીરાનું 61 નોટિકલ માઇલનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકવા માટે સક્ષમ છે. નવા જહાજની ક્ષમતા પ્રમાણે તેને ઘોઘા અને હજીરામાં ડોલ્ફિન નજીક, ટર્નિંગ સર્કલ, ચેનલમાં 7 મીટરનો ડ્રાફ્ટ આવશ્યક હોય છે. પરંતુ આઠ મહિનાથી શિપ આવીને ઉભુ છે, જરૂરી સવલતો આપવામાં સરકારી તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
ઇન્ટરનેશનલ વાહન કંપની હોન્ડા ફેરીથી નારાજ
ઇન્ટરનેશનલ વાહન ઉત્પાદક કંપની હોન્ડાના દક્ષિણ ભારત અને પડોશી રાજ્યોમાં આવેલા ઉત્પાદન એકમોમાંથી સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવતા વાહનોના ટ્રક સુરત-હજીરાથી રો-પેક્સ ફેરીમાં ચડાવી અને ઘોઘા ઉતારવામાં આવે છે, આ તેઓની નિયમીત કામગીરી છે. અચાનક ફેરી સર્વિસ બંધ થઇ જતા હોન્ડા કંપનીએ નારાજગી વ્યક્ત કરી છે. તહેવારોની સીઝનમાં મુસાફરોને પણ ફેરી સેવાના માધ્યમથી જળ પરિવહન સસ્તુ અને ઝડપી પુરવાર થઇ રહ્યું હતુ, મુસાફરોને પણ અગવડતાઓનો સામનો કરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.