ભાવનગર શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલ આખલોલ જકાતનાકા સામે વર્ષે જૂની સ્લમ વસાહત આવેલી છે, આ વસાહતના મોટા ભાગનાં મકાનો જીર્ણ-ક્ષિર્ણ થઈ ગયાં હોય ગમે તે સમયે મોટી દુર્ઘટના ઘટે તેવી પૂરેપૂરી શકયતા છે, ત્યારે આ વસાહતનો તત્કાળ જીર્ણોધ્ધાર હાથ ધરવાની માગ વસાહતીઓ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા સામે આવેલ સ્લમ વસાહત 30 વર્ષ કરતાં વધુ જૂનું બાંધકામ ધરાવે છે, 208 જેટલાં મકાનોમાં 2500 થી 3000 જેટલાં લોકો અત્યંત જર્જરિત હાલતે થયેલા મકાનોમાં વસવાટ કરે છે. અહીં વસતી ગરીબ પરિવારોની છે.
25 થી 30 વર્ષ પૂર્વે સરકાર દ્વારા ગરીબ લોકો ને રહેવા માટે આ મકાનની ફાળવણી કરી હતી અને મકાનો નો રખરખાવ તથા પાયાકીય સવલતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજકોટ ની કોઈ ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી પરંતુ આ કંપનીએ આ વસાહતની સમય-સમયાંતરે કોઈ જ દરકાર ન લેતાં આ મકાનોની ખસ્તા હાલત થઈ જવા પામી છે.
આ વસાહતના નિર્માણ સમયે જ બાંધકામના માલ-મટીરિયલ્સ માં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને પગલે આવાસની ફાળવણી કર્યાના બે વર્ષ માં જ અધિકારીઓ-કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલ મિલિભગત નો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયો હતો. પરંતુ વસાહતમાં રહેતા અને ટંક નું લાવી ટંકનુ ખાતાં ગરીબ પરિવારો પાસે ન્યાય ની માંગ કરવાનો પણ સમય ન હતો પરિણામે આ સમસ્યાએ આજે વિકરાળ અને અતિ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે હાલમાં વસાહતીઓ જે મકાનમાં રહે છે એ તમામ મકાનોમાં ચોમાસામાં છત માથી પાણી ટપકે છે હલકા માલ મટીરિયલ્સ ને પગલે મકાનોના સમગ્ર સ્ટ્રક્ચર ખળભળી ગયાં છે અને અવારનવાર મકાનો માથી ગાબડાં પડે છે જેમાં લોકો ને નાનીમોટી ગંભીર ઈજા ઓ પણ થાય છે.
આ સમસ્યા ને લઈને સ્થાનિકો મહેશભાઈ ગઢવીએ મહાનગરપાલિકા, નગરસેવકો, મેયર,કમિશ્નર સહિતનાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી સત્તાવાળ તંત્ર દ્વારા લોકો ને જણાવવામાં આવે છે કે તમારા મકાનોની જવાબદારી રાજકોટ ની ખાનગી કંપની ના શિરે છે એને ફરિયાદ કરો અમારી પાસે આની કોઈ સત્તા નથી...! તો બીજી તરફ ઘરવેરો,સફાઈ વેરો સહિતનો ટેક્સ મહાનગરપાલિકા વસુલી રહી છે !પરંતુ સવલતો અંગે હાથ ઊંચા કરી દે છે !હાલમાં અનેક પરિવારો પર મકાનો ગમે તે ઘડીએ તૂટી પડે એવી પ્રબળ સંભાવના છે ત્યારે આ અંગે સત્તાધીશો સ્લમ વસાહત ના મકાનો સત્વરે રીપેર કરાવી લોકો ને ભયમુક્ત કરે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.