ભાવનગરના મહુવા તાલુકના રતનપર-નવાગામના એક શ્રમજીવી યુવાને બોરલા ગામની સીમમાં પોતાની બે વર્ષીય પુત્રીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બનાવના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બગદાણા પોલીસ સ્ટેશન હેઠળના રતનપર-નવાગામ ખાતે રહેતા અને છુટક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શૈલેષ ભૂપત બાંભણીયા ઉ.વ.24 આજરોજ સવારના સમયે પોતાના ઘરેથી તેની બે વર્ષીય પુત્રી નિશાને લઈને નિકળી ગયો હતો. રસ્તામાં પુત્રીને નાસ્તો કરાવી બોરલા ગામની સીમમાં પહોંચ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર સૌપ્રથમ એક લીમડાના ઝાડ સાથે દોરી બાંધી માસુમ બાળા નિશાને દોરી વડે ફાંસા પર લટકાવી હતી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આસપાસના ખેડૂતો-રાહદારીઓ દોડી આવ્યા હતા.
બગદાણા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પંચનામું કરી પિતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે મૃતકની પત્ની જાગૃતિએ મૃતક પતિ શૈલેષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.