પુત્રની નજર સામે માતા-પિતાનાં મોત:ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર માતાજીનાં દર્શને જઈ રહેલા પરિવારને ટ્રકે અડફેટે લીધો, પતિ-પત્નીનાં મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • બાઈકમાં સવાર બાળકને પણ ગંભીર ઈજા, સારવાર માટે ખસેડાયું
  • અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગર-વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીનાં દર્શને જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલાં પતિ-પત્નીનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવાર દડવા ગામે માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો
આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વેળાએ ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રકચાલકે બાઈકસવાર દંપતી તથા તેના બાળકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રકચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી નાસી છુટ્યો હતો તથા રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...