માંગ:ધો.11માં નવા વર્ગની રૂા.15 હજારની ફીમાંથી શાળાઓને મુક્તિ આપો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોવિઝનલ વર્ગો માટે રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવી જોઇએ
  • નવો વર્ગ બનશે તો નવી બેન્ચીસ અને ફર્નિચર બનાવવું પડશે જેની પાછળ પણ શાળાને ખર્ચો થશે

ધોરણ 11ના વધારાના વર્ગની 15 હજાર ફી માટે ગ્રાન્ટેડ શાળાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. નવો વર્ગ બનશે તો નવા પાટલી-બેન્ચીસની વ્યવસ્થા પણ કરવી પડશે જેની પાછળ પણ ખર્ચો થશે. વર્તમાન પરિસ્થિતિમાં ઘણી સ્કૂલોની આર્થિક સ્થિતિ નબળી છે.

ધોરણ 10માં રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11ના વર્ગો વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. શાળાઓ પાસે વર્ગો તથા વિદ્યાર્થીઓની સંખ્યા મગાવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ડીઇઓ કચેરી પાસેથી ગ્રાન્ડેટ સ્કૂલો પાસે વર્ગોની માહિતી મગાવવામાં આવી છે. ધોરણ 10માં માસ પ્રમોશનના નિર્ણયના કારણે હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સમાવેશ કરવાનો પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, તેવા સમયે ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગો વધારવા માટે દબાણ ઉભું થયું છે.

બીજી તરફ શાળા સંચાલક મંડળનું માનવું છે કે, ગ્રાન્ટેડ શાળાઓને વધારાના વર્ગો માટે અરજી કરવા માટે 15 હજાર ફીમાંથી મુક્તિ આપવી જોઇએ. કારણ કે નવો વર્ગ બનાવવામાં આવશે ત્યારે નવું ફર્નિચરની પણ વ્યવસ્થા કરવી પડશે, જેનો પણ ખર્ચો શાળાના માથે આવશે.

શાળાઓ પાસે પૂરતા પ્રમાણમાં ફી નથી આવી
વર્તમાન સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓની ફી આવી નથી તેવા સમયે શાળાઓ પાસે પણ પૂરતું ભંડોળ નથી. જેથી સરકારે પ્રોવિઝનલ વર્ગો માટે રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવી જોઇએ. આ વર્ગો માત્ર બે વર્ષના સમયગાળા માટે જ હશે બાદમાં સ્થિતિ સુધરશે ત્યારે ધો. 10ની પરીક્ષા લેવાશે, જેના પરિણામ પછી ધોરણ 11માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...