સમસ્યા:બેન્કની ભરતી માટેની પરીક્ષાના સેન્ટરમાં ભાવનગરની બાદબાકી

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના પરીક્ષાર્થીઓને અમદાવાદ કે રાજકોટનો ધક્કો
  • ક્લાર્ક અને ઓફિસરની ભરતીની પરીક્ષામાં ગાંધીનગર, આણંદ, જામનગર અને મહેસાણાને પણ સેન્ટર ફાળવાયુ

બેરોજગારીએ ભરડો લીધો છે ત્યારે કોરોનાની મહામારી બાદ લગભગ દોઢેક વર્ષથી વધુ સમયગાળા પછી બેન્ક, રેલવે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વણપુરાયેલી ખાલી જગ્યા પર ભરતીની પ્રક્રિયા માટે પરીક્ષાઓ લેવાનો આરંભ કરાયો છે ત્યારે બેન્કોમાં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેકશન દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે તેમાં 21 નવેમ્બરને રવિવારે બેન્ક અધિકારીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે. તેમાં ભાવનગરને પરીક્ષા સેન્ટર ફાળવાયું ન હોય ભાવનગરના હજારો પરીક્ષાર્થીઓને અમદાવાદ કે રાજકોટ સુધી આ પરીક્ષા દેવા ધક્કો થતા સમય અને આર્થિક ખર્ચ ભોગવવો પડશે.

લગભગ પાંચેક વર્ષથી ભાવનગરને આ પરીક્ષા માટે સેન્ટર ફાળવાતું નથી જ્યારે ભાવનગરથી નાના શહેરો જેવા કે ગાંધીનગર, આણંદ, મહેસાણા, જામનગરને આ પરીક્ષા માટે સેન્ટર ફાળાવાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી હજારો પરીક્ષાર્થીઓને આ પરીક્ષા આપવા માટે અમદાવાદ કે રાજકોટ જવું પડશે જેમાં પાંચ-છ કલાક સમય જવા અને એટલો જ સમય આવવા માટે બગડશે. ઉપરાંત આ બન્ને મહાનગરોમાં જ્યાં પરીક્ષા સ્થળો હોય ત્યાં જવા અને અન્ય ખર્ચો થાય તે અલગ. આ ઉપરાંત વિવિધ સરકારી જગ્યાઓની ભરતી માટે લેવાતી યુપીએસસીની પરીક્ષા માટે પણ ભાવનગરને સેન્ટર ફાળવાતું નથી.

વિદ્યાર્થી સંગઠનો રાજકીય પક્ષોના હાથા બનવાને બદલે આવા પરીક્ષાર્થીઓને નડતી મુશ્કેલીઓ, પરેશાની અને અન્યાય અંગે રજૂઆત કરી વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કોમાં , વીમા કંપનીઓ તેમજ અન્ય વિવિધ એકમોમાં જ્યાં રેગ્યુલર પરીક્ષા લેવાય છે ત્યાં ભાવનગરને પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવે અને સેન્ટર મળે તો હજારો પરીક્ષાર્થીઓને પડતી આર્થિક અને શારીરિક હાડમારીમાંથી મુક્તિ મળે તેમજ સમયનો બગાડ પણ અટકે.

અન્ય સમાચારો પણ છે...