આગામી તા. 27મી જાન્યુઆરીએ દેશના વડાપ્રધાનનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમ હોવાથી ભાવનગર સહિત રાજ્યભરના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય દ્વિતીય પરીક્ષા તા.27ને બદલે એક દિવસ મોડી તા.28મી જાન્યુઆરીથી લેવાશે. અગાઉ નક્કી કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે તા.27મીથી પ્રિલિમનરી પરીક્ષા શરૂ થવાની હતી જે હવે તા.28મી જાન્યુઆરીથી તા.6 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ભાવનગર જિલ્લામાં ધોરણ 9થી 12માં કુલ અંદાજિત એકાદ લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થશે જેમની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, 27મી જાન્યુઆરી-2023ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ની આવૃત્તિ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શાળાકીય કેલેન્ડર 2022-23 મુજબ ધોરણ 9થી 12ની શાળાકીય પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.27 જાન્યુઆરીથી તા.4 ફેબ્રુઆરી સુધી લેવાનાર હતી.
પરંતુ તા.27મીએ વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી આ પરીક્ષાનું આયોજન તા.28 જાન્યુઆરીથી તા.6 ફેબ્રુઆરી દરમિયાન કરવા ધોરણ 9થી 12ની શાળાઓના આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે. ધો.6થી ઉપરના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ કરવા આચાર્યોને જણાવાયું છે. જે સ્કૂલમાં ટીવી ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે તા.27મીએ વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમનું ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો સહિતની રેડિયો ચેનલમાં પણ લાઈવ સ્ટ્રિમિંગ કરાશે. જો આમાંથી કોઈપણ સુવિધા શાળામાં ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થીઓ વડાપ્રધાનનું જીવંત સંબોધન નિહાળી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે. આ રીતે વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લીધે પરીક્ષા એક દિવસ મોડી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.