નિર્ણય:કોર્પોરેશનના દરેક કામના હવે ટેન્ડર થશે, સારૂ'ને મારૂ જોઈને સમયમર્યાદા વધારી નહીં અપાય

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સફાઈના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે રિન્યુ કરવો પડશે, ખાતમુહૂર્ત પછી 15 દિવસમાં કામ શરૂ કરવું પડશે
  • ટેસ્ટિંગ લેબ માટે રૂ.1.20 કરોડ ફાળવ્યા છતાં કોઈ પ્રગતિ નહીં થતાં સ્ટેન્ડીંગમાં તંત્રને ઢંઢોળ્યું

ભાવનગર કોર્પોરેશન દ્વારા નિયમોને ઘોળીને પી જઈ પાંચ લાખથી વધુ રકમના કામોને ટેન્ડર વગર મંજુર કરવામાં આવે છે અને ઘણાં કામની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેને ટેન્ડર વગર રિન્યુ કરાઈ રહ્યા છે. જેને કારણે ભારે વિવાદ સર્જાતા હોય છે. અંતે આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં અધ્યક્ષ સ્થાનેથી જ ઠરાવ કરી કોર્પોરેશનના કોઈપણ કામની સમયમર્યાદા પૂર્ણ થાય એટલે ફરજીયાત ટેન્ડર કરવાના રહેશે. અને જેના અગાઉ ટેન્ડર બહાર પાડ્યા વગર કામ મંજુર અથવા રિન્યુ કર્યા હોય તેના પણ 60 દિવસમાં ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરાયો છે.

આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં રોડના જ વધુ કામો હતાં જે તમામ રૂ.15.20 કરોડના કામને મંજુરી આપવામાં આવી હતી. સાથોસાથ અકવાડા, તરસમીયા, રૂવા, અધેવાડા, કાળીયાબીડ સહિતના રૂ. 2.50 કરોડના કામો જે 27 થી 31 % સુધી ડાઉન હોવાને કારણે મંજુર કર્યા ના હતાં તે તમામ એજન્સીનું જસ્ટીફિકેશન લઈ અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરાયું હતું. તદુપરાંત ખાસ કરીને દ્રષ્ટિ ફેડરેશનને ટેન્ડર વગર સંગઠનની હઠને કારણે કમિશનરની ઉપરવટ જઇ રિન્યું કરાયું હતું.

અંતે શાસકો પર છાંટા ના ઉડે તે માટે આજે સ્ટેન્ડીંગમાં અધ્યક્ષ સ્થાનેથી ધીરૂભાઈ ધામેલીયાએ માત્ર દ્રષ્ટિ ફેડરેશન જ નહીં પરંતુ તમામ પ્રકારના આઉટસોર્સિંગ અને વિકાસ કામ કે જેના નિયમ અનુસાર ટેન્ડર બહાર પાડવા પડે તેવા તમામ કામના ફરજીયાત ટેન્ડર બહાર પાડવા તેમજ સમયમર્યાદા પૂર્ણ થઈ હોય અથવા તો અગાઉ ટેન્ડર વગર રિન્યુ કે મંજૂરી આપેલી હોય તે કામના 60 દિવસમાં ટેન્ડરીંગ કરવા નિર્ણય કર્યો હતો.

જ્યારે સ્ટેન્ડીંગે અગાઉ ટેસ્ટિંગ લેબની રૂ. 1.20 કરોડના ખર્ચને મંજૂરી આપી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા એક સળીના બે કટકા પણ નહીં કરતા સભ્યો અને કમિશનર પણ ગુસ્સે થયા હતાં. અને તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના આપી હતી. બાકી તમામ કામોને બહાલી આપી હતી. નવા ભળેલા વિસ્તારમાં સફાઈનો ત્રણ વર્ષો કોન્ટ્રાક્ટ પરંતુ દર વર્ષે રિન્યુ માટે સક્ષમ સત્તાની મંજૂરી આવશ્યક રહેશે. ઉપરાંત કર્મીઓના ડ્રેસ ભથ્થામાં બમણો વધારો કરાયો હતો.

ખાતમુહૂર્ત પછી 15 દી’માં કામ શરૂ ન કરે તો બ્લેકલિસ્ટ કરો
કમિશનર યોગેશ નિરગુડેએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી ખાતમુહૂર્ત થયા પછી જો પંદર દિવસમાં એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં ન આવે તો તે એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો. જેથી કોઈ એજન્સી દ્વારા કામમાં ઢીલ ના કરે.

અન્ય સમાચારો પણ છે...