એજન્સીને કામ સોંપાશે:ચોમાસાના ત્રણ મહિને પણ હજુ કોર્પોરેશન ઢોર પકડવા અસમર્થ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટના નિર્દેશ બાદ કોર્પોરેશનમાં ઢોર પકડવા ખાસ ટીમની રચના કરી હતી પરંતુ સફળતા ન મળી

ભાવનગર શહેરમાં પહેલા તો ચોમાસા દરમિયાન જ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ રહેતો હતો પરંતુ હવે તો બધી ઋતુમાં રસ્તા પર ઢોરનો અડિંગો હોય છે. હાઇકોર્ટે પણ રખડતા ઢોર માટે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા બાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા ડોક્ટર સાથે ખાસ ટીમની રચના કરી હતી પરંતુ સમય જતાં ટીમ વિખેરાઈ ગઇ કર્મચારીઓને અન્ય કામગીરીમાં લગાડ્યા અને લાખોનો ખર્ચ કરી ઢોર પકડવાની કામગીરી એજન્સીને સોપાય છે.

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છેલ્લા ઘણા મહિનાઓથી હોવા છતાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર ને પકડવા માટેની કોઇ કાર્યવાહી કરી નહીં અને હવે એક પશુને પકડવાના 1100 રૂપિયા મુજબ એજન્સીને કામ આપવામાં આવશે.

ચોમાસાના ત્રણ ત્રણ મહિના બાદ રખડતા ઢોર ને પકડવા માટે ટેન્ડર પ્રક્રિયા અને એજન્સીને કામ સોંપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે તંત્રની ગંભીર બેદરકારી સાબિત કરે છે. એજન્સી દ્વારા ઢોર પકડવાની કામગીરી કરી કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ હાઇકોર્ટના નિર્દેશ બાદ વર્ષ 2008થી જ કોર્પોરેશનમાં ઢોર પકડવાની કામગીરી માટેની ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. જે કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી ના જ પગાર ચૂકવવામાં આવતા હતાં. પરંતુ હવે ઢોર પકડવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી એજન્સીનો જ આધાર રાખવામાં આવે છે. ઢોર પકડવાની કામગીરી માટે નિયુક્ત કરેલા કર્મચારીઓને અન્ય કામગીરી સોપવામાં આવે છે. જેને કારણે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દર વર્ષે યથાવત્ રહે છે.

અન્ય સમાચારો પણ છે...