સમસ્યા:GSTના અમલીકરણના 47 માસ બાદ પણ બોગસ બિલિંગ યથાવત્

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇન્ટેલિજન્સ, અદ્યતન કોમ્પ્યુટરાઇઝડ સીસ્ટમ હોવા છતાં

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તા.1 જુલાઇ 2017થી અમલમાં આવ્યુ હતુ. અમલીકરણના 47 મહિના દરમિયાન તેના કાયદામાં, નિયમોમાં, અમલીકરણમાં, કોમ્પ્યુટર સીસ્ટમમાં અનેક વખત ફેરફારો કરવામાં આવ્યા છે. 47 મહિનાના અમલીકરણ બાદ પણ તંત્ર બોગસ બિલિંગના રાક્ષસને નાથવા માટે અસમર્થ સાબિત થયું છે.ગુજરાતમાં જ્યારે પણ બોગસ બિલિંગની બાબત સપાટી પર આવે, મોટા કેસ નોંધાય તો તેનું પગેરૂ અવશ્ય ભાવનગર ભણી ખેંચી લાવે છે. ભાવનગરમાં ગૃહ ઉદ્યોગની જેમ બોગસ બિલિંગની કરોળીયાઝાળ ફેલાઇ ચૂકી છે, અને મસમોટા ખોટા કામ તંત્રની મહેરબાની વિના થઇ શકે તે બાબત પણ ગળે ઉતરે નહીં.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)ની રચના જીએસટી ક્ષેત્રે થઇ રહેલી ગેરરીતિઓને ડામવાની હોય છે, પરંતુ 47 મહિના પછી પણ જીએસટી ઇન્ટેલિજન્સ આ બોગસ બિલિંગના મૂળીયા સુધી પહોંચવામાં સંપૂર્ણપણે સફળ થઇ શક્યુ નથી. અદ્યતન કોમ્પ્યુટર સીસ્ટમ, સોફ્ટવેરની મોજુદગી હોવા છતા ભેજાબાજો તેનાથી પણ બે ડગલા હંમેશા આગળ નીકળી જાય છે તે નવાઇની વાત છે.સરકાર દ્વારા પણ જીએસટીની આવક વધારવા માટે અધિકારીઓ પણ દબાણ લાવવાનું શરૂ કરાયુ છે. મોબાઇલ સ્ક્વોડની કામગીરી કડક બનાવવા, જૂની રીકવરીઓ પતાવવા માટે પણ તંત્ર જાગ્યુ છે.

માથાભારે લોકોની બોગસ બિલિંગ પર પકડ
જીએસટીમાં બોગસ બિલિંગ, ખોટી આઇટીસી, ખોટા રોડ બિલ બનાવીને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી થઇ રહી હોવાનું માથાભારે તત્વોના ધ્યાને આવતા પરંપરાગત ખંડણી, ખૂન, મારામારી, ધાકધમકી જેવા જોખમી કામો ત્યજી બોગસ બિલિંગના નેટવર્કમાં પ્રવેશ્યા છે, જેના કારણે અધિકારીઓને પણ સતત ભયના ઓથાર તળે રહેવું પડે છે અને આંખ આડા કાન કરવા પડે છે.

એક્સપર્ટ ઓપિનિયન: છટકબારીઓનો લાભ
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટના પ્રમુખ ભરતભાઇ શેઠના જણાવ્યા પ્રમાણે, જીએસટીએન અને જીએસટી કાયદામાં રહેલી અનેક છટકબારીઓનો ફાયદો આજની તારીખે પણ ભેજાબાજો ઉઠાવી રહ્યા છે અને તેના કારણે બોગસ બિલિંગ પણ હજુ કાબુ મેળવી શકાયો નથી.

શા માટે બોગસ બિલિંગ કંટ્રોલમાં આવતુ નથી?
જીએસટી અમલમાં લાવવામાં આવ્યુ ત્યારથી તેમાં અનેક વખત ફેરફાર કરવા પડ્યા છે. બીજી તરફ જીએસટીના કાયદામાં જ અનેક છીંડાઓ પહેલેથી રહેલા હોવાથી તેનો ઉપયોગ ભેજાબાજો વધુ કરી રહ્યા છે. આટલું અધુરૂ હોય તેમ જીએસટીના અધિકારીઓના છૂપા આશિર્વાદ પણ આવા ભેજાબાજોને બોગસ બિલિંગ જેવા અનૈતિક કામ કરવા માટે બળ પ્રદાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...