દક્ષિણ એશિયાના દેશો દ્વારા વિશ્વના કુલ જહાજો પૈકી 90 ટકા જહાજો ભાંગવામાં આવે છે. સમગ્ર વિશ્વના 40 ટકા જહાજો યુરોપીયન યુનિયનના (ઇ.યુ.) દેશો ધરાવે છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે યુરોપીયન યુનિયન દ્વારા દક્ષિણ એશિયાના એકપણ દેશના શિપબ્રેકિંગ યુનિટને માન્યતા આપવામાં આવી નથી. જો કે ભારત સરકાર દ્વારા અલંગને ઇ.યુ.ની માન્યતા અપાવવા માટે સેમિનાર કરવા ઇચ્છુક છે.
યુરોપિયન લિસ્ટ ઓફ શિપ રિસાયક્લિંગ સુવિધાઓની તાજેતરમાં પ્રકાશિત થયેલી 9મી આવૃત્તિમાં, યુરોપિયન કમિશને ત્રણ નવા શિપબ્રેકિંગ યાર્ડ ઉમેર્યા છે. એક યાર્ડ નેધરલેન્ડમાં સ્થિત છે અને અન્ય બે યુનાઇટેડ કિંગડમમાં સ્થિત છે. આશ્ચર્યજનક રીતે દક્ષિણ એશિયાના દેશોમાંથી એકપણ શિપબ્રેકિંગ યાર્ડ EU યાદીમાં સમાવિષ્ટ નથી, જ્યાં દર વર્ષે મોટા જથ્થામાં જહાજોનું રિસાયકલ કરવામાં આવે છે. અલંગ (ભારત) તેમની સુવિધાઓને HKC અનુસાર રૂપાંતરિત કરવા માટે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવી ચૂક્યુ છે. આમ છતાં તેઓ EU ને આકર્ષવામાં નિષ્ફળ ગયા છે.
ઇ.યુ. જે શિપબ્રેકિંગ દેશો અને યાર્ડને પ્રમાણિત કરે છે તેઓને આંતરરાષ્ટ્રીય બજારથી ઓછા દરે જહાજો ભાંગવા માટે મળે છે, વાત માત્ર સસ્તા જહાજની નથી, પરંતુ ઇ.યુ.ના દેશો પાસે નોંધપાત્ર સંખ્યામાં જહાજો હોવાથી તેની માન્યતા મેળવવા માટે શિપબ્રેકિંગ સાથે સંકળાયેલા દેશો ઇચ્છુક હોય છે. ભારતમાં અલંગ ખાતે હોંગકોંગ કન્વેન્શન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ શિપબ્રેકિંગ સવલતો મોજૂદ છે, અને ભારત સરકાર પણ અલંગ ખાતેની સવલતોથી યુરોપીયન યુનિયનના દેશોને રૂબરૂ મુલાકાત કરાવી વાત ગળે ઉતારવા માટે પ્રયાસ કરી રહી છે.
આગામી ઓક્ટોબર માસમાં અલંગ ખાતે યુરોપીયન યુનિયન દેશોના એમ્બેસેડરોને અલંગ ખાતે આમંત્રિત કરી અને અહીંની સવલતોથી વાકેફ કરાવવા માટે કેન્દ્ર સરકાર આગળ ધપી રહી છે. યુરોપિયન યાદીમાંં હવે 46 શિપ-રિસાયક્લિંગ યાર્ડ છે, જેમાં યુરોપમાં 37 યાર્ડ્સ (EU, નોર્વે અને UK), તુર્કીમાં 8 યાર્ડ્સ અને યુએસએમાં 1 યાર્ડ્સનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયાના ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એકપણ યાર્ડને હજુસુધી માન્યતા મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.