ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરનો ચાર્જ મેળવવા માટે 2 મહિના પહેલા હોડ લાગી હતી. જ્યારે હાલમાં ખાલી પડેલા સિટી એન્જિનિયરનો ચાર્જ સંભાળવા કોઈ અધિકારી રાજી નથી. અંતે નિવૃત્તિનો એક મહિનો બાકી છે ત્યારે એક મહિના માટે એસ્ટેટ ઓફિસર સુરેશ ગોધવાણીને સીટી એન્જિનિયરનો ચાર્જ સોંપાયો છે.
ભાવનગર કોર્પોરેશનમાં સીટી એન્જીનીયર તરીકે લાંબો સમય એસ.જે.ચંદારાણા રહ્યા બાદ સીટી એન્જીનીયર તરીકે વિજય પંડિતને કમિશનર દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ કમિશનરના આ નિર્ણયથી ભાજપ સંગઠન અને કમિશનર આમને સામને આવી ગયા હતા. અંતે વિજય પંડિત નિવૃત્તિ પૂર્વે રજા પર રહ્યા અને સરકારમાંથી પણ મુકેશ કુકડીયાને સિટી એન્જિનિયર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ પણ ગત 30મી એપ્રિલના રોજ નિવૃત્ત થયા. શાસકો અને કમિશનર દ્વારા સિટી એન્જિનિયરના ચાર્જ માટે અનેક ગડમથલ ચાલી.
આજે પણ કમિશનર દ્વારા સિનિયર અધિકારીઓને બોલાવી સિટી એન્જિનિયરના ચાર્જ માટે ભલામણ કરાઈ હતી. પરંતુ નિવૃત્તિ માટેના નજીકના સમય અને નાદુરસ્ત તબિયતને કારણે અધિકારીઓ પણ સિટી એન્જિનિયરનો ચાર્જ લેવા રાજી ન હતા. અંતે સિટી એન્જિનિયરનો ચાર્જ એસ્ટેટ ઓફિસર સુરેશ ગોધવાણીને સોપવામાં આવ્યો છે. જ્યારે નાયબ કમિશનર જનરલનો ચાર્જ નાયબ કમિશનર એડમીન વી.એમ.રાજપૂતને સોંપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.