ચીમકી:બેન્કોના ખાનગીકરણની સામે કર્મીઓના 29 નવેમ્બરથી ધરણા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર શિયાળુ સત્રમાં ખાનગીકરણનો કાયદો લાવવાની તૈયારીમાં હોય લાંબી લડતની તૈયારી

સરકારે બજેટમાં બે બેન્કો અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનું નક્કી કર્યું છે અને સરકારે બેન્કોનું ખાનગીકરણ કરવા બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકાર શિયાળુ સત્રમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અને બેકિંગ કંપનીઝ એક્ટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જણાવ્યું છે કે બેન્ક કર્મચારીઓ સરકારની આ અવળી નાણાકીય નીતિ અને જાહેર જનતાને જફા પહોંચાડનારી નીતિ સામે તા.29 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા રાજ્યોમાં ધરણાનો કાર્યક્રમ યોજાશે અને જે દિવસે બેન્ક ખાનગીકરણનો ખરડો સંસદમાં રજૂ થશે ત્યારે બેન્ક કર્મચારીઓ વીજળીક હડતાલ પાડશે અને લાંબી લડત આપશે તેવી ચીમકી પણ યુનિયને આપી છે.

સરકાર હાલ સુધીમાં મોટા ભાગના ઉદ્યોગગૃહો જેમણે બેન્કના ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને 70થી 95 ટકા સુધીની રકમની ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની યોજના ચાલે છે. જે ઉદ્યોગગૃહોએ બેન્કોના ધિરાણ પૂરા ભર્યા નથી તેઓને જ બેન્કનો કારોબાર કરવાની છૂટ આપવી એ બિલાડીને દૂધના રખોપા જેવી વાત છે. 1991થી સરકારે ખાનગી બેન્કોને લાયસન્સ આપ્યા છે પરંતુ આવી મોટા ભાગની ખાનગી બેન્કો નકશામાંથી ભુંસાઇ ગઇ છે અને તેનો ભાર રાષ્ટ્રીયકૃત બેન્કોએ સહન કર્યો છે. જાહેર જનતાને આજે જે બેન્કિંગ સેવા મળી રહી છે તેના ચાર્જમાં નિશ્ચિતપણે વધારો થશે. બેન્કના કર્મચારીઓ સરકારની આ નીતિ સામે 1991થી લડત આપી રહ્યાં છે અને આ જ પ્રશ્ને 40 જેટલી હડતાલ પાડી છે જેમાં છેલ્લે 15-16 માર્ચ,2020માં બે દિવસની હડતાલ પાડી છે તેમ પણ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...