કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા અકસ્માતના બનાવમાં કરજણ મામલતદાર ને જાહેરમાં અસભ્ય ભર્યું વર્તન કરી બીભત્સ ગાળો આપવાની ઘટનામાં માફી ન માંગતા ગુજરાત સહિત ભાવનગરના મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા માસ સી.એલ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા ગત તા.22 ફેબ્રુઆરીના રોજ કરજણ તાલુકા ખાતે રેતી ભરેલ ટ્રક દ્વારા મોટરબાઇકને હડફેટે લેતા ત્રણ મજૂરોના મૃત્યુ નિપજેલ હતા, આ અકસ્માત સંદર્ભે કરજણનાં મામલતદાર તથા કચેરી સ્ટાફ સાથે ફરજનાં ભાગરૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા, આ સમયે ભરૂચનાં સાંસદ ત્યા હાજર હોય અને કોઇપણ જાતની તપાસ વિના મહેસૂલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભત્સ ગાળો કાઢી તથા મારવાની કોશિશ કરવામાં આવેલ હતી.
સત્તાના મદમાં તમામ ભાન ભૂલેલ સાંસદ દ્વારા અશોભનીય ભાષા પ્રયોગ કરી રાજયના તમામ મહેસુલી સ્ટાફનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેને લઈને ગુજરાત મહેસુલી કર્મચારી મંડળના આદેશ મુજબ સાંસદનાં આવા હીનપ્રકારના અસભ્ય વર્તન સામે તેઓ દ્વારા લેખિતમાં કોઇ માફી માંગવામાં આવે નહીતો તો આદોલનાત્મક પગલા ભરવાનું નક્કી કરવામાં આવેલ છે ત્યારે ભાવનગર જિલ્લાના 300 જેટલા મહેસૂલી કર્મચારીઓ અને 14 મામલતદારો દ્વારા માસ સી.એલ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.