મહુવામાં માર્કેટ યાર્ડમાં ગેરહાજર કર્મચારીઓને પણ પગાર ચુકવાતો હોવાની હોવાની ફરિયાદ ઉઠી છે.માર્કેટ યાર્ડમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર રહેવા છતા તેમજ નિયમીત આવતા ન હોવા છતાં પુરો પગાર મેળવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. મહુવા માર્કેટ યાર્ડમાં સેક્રટરીથી માંડીને કુલ 29 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે પરંતું કેટલાક કર્મચારીઓ કામ પર આવતા નહીં હોવા છતાં પુરો પગાર મેળવી રહયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.એક બાજુ મહુવા તાલુકાના ડુંગળી પકવતા ખેડૂતો અનેક મુશ્કેલીઓ ભોગવી રહયાં છે.
જેમ કે કુદરતી આફત,બિયારણના ભાવો,ખાતરના અસહય ભાવો તેમજ અન્ય પરિબળોના લીધે ખેડૂતોને જોઇએ તેવુ ઉત્પાદન મળતું નથી.ડુંગળી પકવવા માટે પડતર કિંમત રૂ.200 આસપાસ રહે છે.ખેડૂતોને ભાવ,ભાગપાણી ન મળવાના કારણે પાયમાલ થઇ રહયાં છે.આવા સંજોગોમાં હાલમાં ખેડૂતોને કિલોએ રૂ.2 મળે છે તેને વધારીને રૂ.5 સહાય આપવામાં આવે તેમજ મહુવા માર્કેટ યાર્ડ આર્થિક રીતે સક્ષમ હોય તેથી યાર્ડ દ્વારા પણ કિલોએ રૂ.2 ખેડૂતોને આપવા માંગ કરી રહયાં છે ત્યારે માર્કેટ યાર્ડમાં કર્મચારીઓ વગર હાજરીએ પુરો પગાર મેળવી રહયાં છે.
ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ ખેડૂતોના પ્રશ્ને રજુઆત કરવા આવેલ ત્યારે યાર્ડના સેક્રેટરી હાજર ન હોવાની પણ હકિકત સામે આવી હતી.તેમણે માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓનું એપ્રિલ મહિનાનું હાજરી પત્રક તપાસતા અનેક કર્મચારીઓની પણ ગેરહાજરી સામે આવી હતી અને અવાર નવાર ગેરહાજર હોવા છતા માર્કેટ યાર્ડ દ્વારા કર્મચારીઓને પુરો પગાર ચુકવાતો હોવાનું જાણવા મળ્યું હતુ.
મે માસમાં પણ કેટલાક કર્મચારીઓની હાજરી પત્રકમાં ગેરહાજરી બોલતી હોય આવા ગેરહાજર કર્મચારીઓના પગાર કપાત કરવા માંગ કરી છે. ખેડૂતો ભારે આર્થિક નુકશાની ભોગવી રહયાં છે ત્યારે માર્કેટ યાર્ડના વહીવટદારો કર્મચારીઓને લ્હાણી કરી રહયાંની હકિકત સામે આવી છે.આ અંગે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે ગેરહાજર કર્મચારીઓના પગાર કાપવા માંગ કરી છે.
કર્મચારીઓ ગેરહાજર હોય તો આટલા મોટા યાર્ડનો વહીવટ જ કેમ ચાલે
કર્મચારીઓ ગેરહાજર રહેતા હોય તો તેનો રિપોર્ટ થાય પગાર પણ કપાય છે.કર્મચારીઓ ગેરહાજર હોય અને પગાર થાય એવું બને જ નહીં. મહુવા થી 3 કિમી દૂર દેવળિયા યાર્ડમાં આઠ જેટલા કર્મચારીઓ ફિલ્ડમાં જાય છે બીજા અન્ય કર્મચારીઓ પણ ફિલ્ડમાં જતા હોય છે એટલે કદાચ ઓફીસમાં કર્મચારીઓની ગેરહાજરી દેખાતી હશે. કર્મચારીઓ ગેરહાજર રહે તો અમારા આવડા મોટા યાર્ડનો વહીવટ જ કેમ ચાલે. કર્મચારીઓ ગેરહાજર રહેવાનો પ્રશ્ન જ નથી. - ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન, મહુવા માર્કેટયાર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.