ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ:રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર થતાં ભાવનગરની 437 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લાના 660 ગામમાંથી 437 ગામોમાં 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે
  • આજે સોમવારથી 437 ગામડાઓમાં આચારસંહિતાનો અમલ શરૂ
  • જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1063 છે, કુલ 339 સરપંચો ચુંટાશે

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ આજે સોમવારના રોજ જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે ડિસેમ્બર 2021માં રાજ્યની 10 હજાર 879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાંથી ભાવનગર ગ્રામ પંચાયતની 437 ગામોમાં આવનારી 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

ભાવનગર જિલ્લાના 660 ગામોમાંથી 437 ગામોમાં 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ભાવનગર જિલ્લાના 437 ગામોમાં આજથી આચારસંહિતા લાગું પડી ગઈ છે, જેમાં સામાન્ય ચૂંટણીનાં ગામો 307, પેટા ચૂંટણીનાં 124 ગામો, મધ્યસત્ર ચૂંટણીના 6 ગામોમાં ચુંટણી યોજાશે. ભાવનગર જિલ્લામાં કુલ 339 સરપંચો ચુંટાશે. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1063 છે, જેમાં સામાન્ય ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 851, પેટા ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 189, મધ્ય સત્રની ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 23 છે. ભાવનગર જિલ્લામાં ચૂંટણીમાં કુલ મતદારો 6 લાખ 58 હજાર 383 રહેશે.

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આજે સોમવારે પત્રકાર પરિષદ યોજીને ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, આ ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાઓમાં ભાજપ-કોંગ્રેસ-આપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. આમ ભાજપ વિરૂદ્ધ આપ પાર્ટી પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી શકે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...