મંજૂરી:ચૂંટણી ઇફેક્ટ, જમ્બો સ્ટેન્ડીંગમાં રોડના રૂા. 10 કરોડના કામને લીલીઝંડી આપશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 67 કાર્યોનો નિર્ણય કરાશે, સિદસર ખાતે સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટર બનાવવાનું આયોજન
  • કાળીયાબીડની સ્કુલમાં ટોઇલેટમાં અસુવિધા

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોર્પોરેશન પણ વિકાસના રોડે ચડતો જાય છે. આગામી 14મી જૂનના રોજ મળનારી જમ્બો સ્ટેન્ડિંગ કમિટી રોડના જ રૂ. 10 કરોડના 24 કામોને બહાલી આપવામાં આવશે. મહાનગરપાલિકાની આગામી 14મી જૂને મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં 67 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. તેમાં મોટાભાગે રોડના જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.67 પૈકી 24 કામો તો રોડના જ છે. રૂ.9,95,38,493 ના ખર્ચે રોડ,બ્લોક અને આરસીસી ના કામોને મંજૂરી આપવામાં આવશે.

તદુપરાંત કાળિયાબીડમાં મારુતિ યોગાશ્રમમાં ભાડે ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને કાળિયાબીડમાં ક્રાઇસ્ટ સ્કૂલ માં ફેરવવામાં આવેલી હોવાથી ત્યાં પણ યુરીનલ અને ટોયલેટ ની મુશ્કેલી પડી રહી છે. જે સંદર્ભના ખર્ચને બહાલી આપવામાં આવશે. તદુપરાંત સિદસર ખાતે મંજૂર કરાયેલા લેઆઉટ પ્લાનમાં 7215 ચોરસ મીટર જમીન કોર્પોરેશનને પ્રાપ્ત થયેલી હોવાથી તે જગ્યામાં સ્વિમિંગ પુલ તથા યોગ સેન્ટર બનાવવાના આયોજનને ચર્ચા વિચારણાના અંતે મંજૂર કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની મુદત વધારવા, લીઝ હોલ્ડ પ્લોટની મુદત રિન્યું કરવા સહિતના કામોને મંજૂર કરવામાં આવશે.

9 મહિનામાં બનાવવાનો બગીચો 45 મહિને પોલીસ બંદોબસ્તે માંડ માંડ પુરો થયો
ચિત્રા ફાઈનલ પ્લોટમાં બગીચો બનાવવા માટે 15મી જાન્યુઆરી 2019ના રોજ મંજૂરી આપી હતી. પરંતુ સ્થાનિક રહિશોના વિરોધને કારણે વારંવાર અડચણ ઊભી થતી હતી. જેને કારણે એજન્સી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બગીચાનું કામ હાથ ધરવો પડ્યું હતુ. બગીચાને પૂર્ણ કરવાની નવમાસની સમયમર્યાદા આપવામાં આવી હતી. પરંતુ રહીશોના વિરોધને કારણે સમયમર્યાદામાં બગીચાનું કામ પૂર્ણ થયું નહીં અંતે નિયત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ 36 માસની સમય મર્યાદા વધારવાનો સ્ટેન્ડીંગ કમિટી નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...