ભંગારનો કાળો કારોબાર:અડધી કિંમતે લોખંડના સળિયા-ભંગાર વેચી રોકડી કરનારા 8 શખ્સ ઝડપાયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર-અમદાવાદ હાઈવે પરની હોટલો પર થતો ભંગારનો કાળો કારોબાર
  • સ્ટેટ મોનિટરીંગ સેલે કુલ 12 શખ્સો સામે ગુન્હો નોંધ્યો, 1.53 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો

હાઈવે પરની હોટલોમાં લોખંડના સળિયા અને ભંગારના કાળા કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે. ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેલાઈ પાસે આવેલી હોટલમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકોમાં જતાં લોખંડના સળિયા અને અલંગનો ભંગાર ડ્રાઈવરો પાસેથી અડધી કિંમતે ખરીદી કરનારા હોટલના માલિકો અને ડ્રાઈવરો મળી કુલ 8ને ઝડપી પાડ્યા છે જ્યારે 12 ઈસમો વિરૂદ્ધ વેળાવદર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલા અધેલાઈ ગામ પાસે ગાયત્રી હોટલના પાર્કિંગમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકોમાંથી લોખંડનો માલસામાનની ટ્રકના ડ્રાઈવરો પાસેથી અડધી કિંમતે ખરીદી કરી છુટકમાં લોખંડના વેપારીઓને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ગત તા. 3ની રાત્રીના 1 વાગ્યે રેઈડ કરી અહીંથી 6 ટ્રકોમાં ભરેલો અને હોટલના કંપાઉન્ડમાં પડેલા 31,777 કિગ્રા લોખંડના સળિયા અને 1,07,443 કિગ્રા લોખંડનો ભંગાર તથા વાહનો મળી કુલ રૂ. 1,53,70,355નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

જેમાંથી લોખંડના સળિયા સિહોરની રોલિગ મીલ તથા લોખંડનો ભંગાર અલંગથી ભરી જુદી-જુદી જગ્યાએ મોકલવામાં આવી રહ્યો હતો. જેમાંથી ટ્રકના ડ્રાઈવરો અડધી કિંમતે હોટલના સંચાલકને વેચતા હતા. આ હોટલમાં છેલ્લા દોઢેક વર્ષથી આ કારોબાર ચાલતો હોવાની હોટલ સંચાલકે કબુલાત આપી હતી.

આ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ભવરા કેશારામ જાટ, જેઠા ભીખારામ જાટ, નીતીશ કૈલાશ ગોપ યાદવ, મહેન્દ્ર દાસો પંડિત કુભાર, નિકુલ ધરમશીભાઈ ખસીયા, ભરત ભુપતભાઈ ચુડાસમા (બંન્ને રહે. તણસા), સુરેશ બટુકભાઈ ચૌહાણ (રહે. પાંચપીપળા, તા. તળાજા), ગીરીરાજ ઉર્ફે ગીરૂભા ભીખુભા ચુડાસમા (રહે.બાવળીયારી)ને ઝડપી ગુન્હો નોંધ્યો હતો તથા આ રેઈડ દરમિયાન ભાગી જનાર જીજે-13-ડબલ્યુ-9191નો ચાલક, બાઈક નં. જીજે-04-ડીએચ-0740 તથા ભંગારની ખરીદી કરનાર ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અહીં આવી રીતે ગેરકાયદેસર ભંગારની લે-વેચનો કારોબાર ચાલતો હોય જેની સ્થાનિક પોલીસ ખબર સુધ્ધા ના હોય તેથી સ્થાનિક પોલીસની આવી ગંભીર બેદરકારી સામે આગામી સમયમાં પગલા લેવાય તેવી પ્રબળ શક્યતા નકારી શકાય નહી.

અન્ય સમાચારો પણ છે...