ગુજરાત રાજ્યને કુદરત દ્વારા સાંપડેલા 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠા પૈકી ભાવનગર જિલ્લાને 152 કિ.મી. લાંબો દરિયો મળેલો છે. કુદરતી સૌદર્ય ધરાવતા ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે ટુરિઝમ વિકસીત કરી શકાય તેમ છે. અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેના અંગેની શક્યતાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. જો ભાવનગરના દરિયાકાંઠે ટુરિઝમ વિકસાવવામાં આવે તો જિલ્લાના આર્થિક વિકાસને વેગ મળી શકે તેમ છે, અને રોજગારીની નવી તકોના પણ નિર્માણ થઇ શકે તેમ છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે મરિન ટુરિઝમ ઓફ ગુજરાત 2023 અંતર્ગત માહિતી આપતા જીએમબીના ચિફ નોટિકલ ઓફિસર કેપ્ટન અશ્વિન સોલંકીએ જણાવ્યુ હતુકે, ગુજરાતના દરિયાકાંઠે વોટર સ્પોર્ટ્સ, ક્રુઝ, રો-પેક્સ ફેરી, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ આકાર લઇ રહ્યા છે. પ્રવાસન ઉદ્યોગની અફાટ શક્યતાઓ છે.
ભાવનગર જિલ્લાના કુડા, કોળીયાક, ઝાંઝમેર, ભવાની (મહુવા)માં અલ્પ વિક્સીત દરિયાઇ બીચ આવેલા છે. આ બીચને વિકસીત કરવામાં આવે અને સહેલાણીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો પર્યટન સ્થળો બની શકે તેમ છે. અને બહારગામથી આવતા સહેલાણીઓ દરિયાઇ બીચ, ઐતિહાસિક ધાર્મિક સ્થળો પાલિતાણા, બગદાણા, સાળંગપુરની સર્કિટ ગોઠવી ફરવા આવી શકે તેમ છે. ઉપરાંત ભાવનગર જળ, હવાઇ, રેલ અને સડક માર્ગે પણ જોડાયેલું છે, તેથી અલ્પ પ્રયાસોથી ટુરિઝમ વિકસીત કરી શકાય તેમ છે.
શા માટે ભાવનગરમાં દરિયાઇ ટુરિઝમ વિકસાવવું જોઈએ
ભાવનગરમાં પર્યાપ્ત માત્રામાં લકઝુરિયસ સહિતની હોટલો આવેલી છે. જળ, રેલ, સડક, હવાઇ માર્ગે મુસાફરી શક્ય છે. કુદરતી રીતે દરિયાકાંઠો મળેલો છે. પાલિતાણા-બગદાણા-સાળંગપુર જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, તેથી પર્યટકો ધાર્મિક મુલાકાતોની સાથે
બીચ ટુરિઝમનો પણ લાભ ઉઠાવી શકે તેમ છે. અલ્પ પ્રયાસો વડે ટુરિઝમ ડેવલપ થઇ શકે તેમ પણ છે.
ભાવનગરના દરિયા કાંઠે પ્રવાસન વિકસાવવા શું કરી શકાય?
ભાવનગરના સંભવિત દરિયાકાંઠે બીચ ટુરિઝમ વિકસાવવા માટે સંબંધિત સ્થળ સુધીના પહોળા રસ્તા, સુરક્ષા, નળ-ગટર-શૌચાલયોની સગવડતા, દરિયા નજીકના સ્થળોએ હોટલ, રેસ્ટોરન્ટ, વોટર સ્પોર્ટ્સની સવલતો ઉપલબ્ધ બનાવવામાં આવે તો ટુરિઝમને ભાવનગર આવતા કોઇ રોકી ન શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.