સસ્પેન્સ:પૂર્વનું કોકડું ગૂંચવાયું : ABVP, સંઘ અને ભાજપ વચ્ચે ખેંચતાણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ માટે નિશ્ચિત ગણાતી પૂર્વ વિધાનસભા બેઠકમાં સંઘના જુના પ્રચારકો દ્વારા પુરૂષ ઉમેદવાર માટે પણ થયેલી ભલામણ

લાંબી ગડમથલો બાદ ભાજપ દ્વારા આજે ભાવનગર જિલ્લા સહિતની વિધાનસભાઓના ઉમેદવારોની યાદી જાહેર કરી છે પરંતુ તેમાં ભાવનગર પૂર્વ બેઠક પર ઉમેદવાર જાહેર નહીં કરી સસ્પેન્સ યથાવત રાખ્યું છે. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપ, સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વચ્ચેની ખેંચતાણમાં કોકડું ગૂંચવાયું છે. જે કદાચિત આવતીકાલ શુક્રવારે ઉકેલાય જવાની સંભાવના છે.

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી એકમાત્ર ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ભાવનગર પૂર્વ બેઠક માટે નિરીક્ષકો સમક્ષ પણ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નારાજગી દર્શાવી હતી. તેમજ અન્ય બેઠકો કરતા સૌથી વધુ દાવેદારોએ પણ આ બેઠક પર જ દાવેદારી નોંધાવી હતી.

ભાવનગર પૂર્વની બેઠકમાં વર્તમાન ધારાસભ્ય વિભાવરીબેન દવે ઉપરાંત નિયતિબેન પંડ્યા, અમીબેન ઉપાધ્યાય, ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, આરતીબેન જોશી, દિવ્યાબેન વ્યાસ સહિતના તો મેદાનમાં છે જ પરંતુ સંઘના જુના પ્રચારકો દ્વારા પુરુષ ઉમેદવાર માટે પણ ભલામણ કરવામાં આવી છે ત્યારે હાલમાં એબીવીપી, આરએસએસ અને ભાજપ વચ્ચેની ખેંચતાણમાં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર કોનું પલ્લુ ભારે રહેશે તે ધાગામી ગણતરીની કલાકોમાં ખબર પડી જશે.

ત્રણ ત્રણ વાર કપાયા છતાં ભાજપ સાથે જોડાયેલા શીવાભાઈને મહુવામાં તક મળી
મહુવા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કનુભાઈ કલસરિયાને ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભાજપ દ્વારા પણ તેની સામે સરળ ઉમેદવાર પસંદ કરવો જરૂરી બન્યુ હતું. જેથી ભૂતકાળમાં વિધાનસભાની ટિકિટ ફાળવણીમાં ત્રણ ત્રણ વાર ભાજપ દ્વારા પડતા મુકાયેલા છતાં નારાજગી નહીં દર્શાવી સંગઠનના કામમાં રહેલા શીવાભાઈ ગોહિલ પર ભાજપે આગામી ચૂંટણી માટે પસંદગી ઉતારી છે. મહુવા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા શીવાભાઈ ગોહિલને તળાજા વિધાનસભા બેઠક પરથી વર્ષ 1995, 1998 અને 2002માં ભાજપ દ્વારા ચૂંટણી લડવી હતી અને વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2007, 2012 અને 2017 માં તેઓને કોઈપણ જાતની તક આપવામાં આવી ન હતી. જોકે, 2014માં તળાજાની પેટા ચૂંટણીમાં તેઓને મેદાનમાં ઉતાર્યા હતા અને જીત્યા પણ હતા. ત્રણ ત્રણ વાર તેઓની ટિકિટ કાપવા છતાં નારાજગી નહીં દર્શાવતા અંતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓને તક સાપડી છે. અગાઉ વિધાનસભા ગૃહમાં અમિતભાઈ શાહ સાથે એક જ બાકડીએ બંને પાંચ વર્ષ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...