બેદરકારી:ધૂળ ઊડાડો રાજ: કોર્પોરેશનની શાળાઓમાં 3 વર્ષથી 14 લાખના સ્પોર્ટ્સના સાધનો ધૂળ ખાય છે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વસાવેલા સાધનોની ખરીદીમાં ગેરરીતિના હતા આક્ષેપ
  • શાળામાં સીલબંધ સાધનો પડ્યા છે : બાળકો રમી શકતા નથી, વિવાદનો ઉકેલ જરૂરી

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ 7 મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે અને હાલમાં દેશભરમાં ભારતીય ખેલાડીઓ માટે ગજ ગજ છાતી ફુલે છે. પરંતુ બીજી તરફ ભાવનગર શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી 14 લાખના રમતગમતના સીલબંધ સાધનો ધુળ ખાય છે. સાધનો ખરીદીમાં ગેરરીતિ બહાર આવતા કમિશનરે વર્ક ઓર્ડર પણ રદ કર્યો છે. છતાં એજન્સી દ્વારા પણ સાધનો શાળામાંથી લઈ જવાતા નથી અને નજર સામે હોવા છતાં બાળકો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી કે પછી કોર્પોરેશન દ્વારા પણ આ વિવાદનો નિવેડો લાવતા નથી.

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિધાનસભા વિસ્તારની 28 શાળાઓમાં રમતગમતના સાધનો માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા રૂ.14 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. અને તેમાંથી દરેક શાળામાં પચાસ પચાસ હજારના સાધનો ખરીદવા માટે જુદી જુદી પાર્ટીઓ પાસેથી ત્રણ ભાવ લઈ ગત માર્ચ 2018માં સાધનોની ખરીદી પણ કરી હતી પરંતુ વર્ક ઓર્ડરમાં ગેરરીતિના આક્ષેપ થયા હતા જેને કારણે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા વિજિલન્સ તપાસના આદેશ પણ અપાયા હતા.

તપાસના અંતે ખોટી પદ્ધતિથી વર્ક ઓર્ડર આપ્યાનું બહાર આવતા કમિશનર દ્વારા જુલાઈ 2018 માં વર્ક ઓર્ડર રદ કરી ઈ ટેન્ડરથી ખરીદી કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. કમિશનર દ્વારા વર્ક ઓર્ડર રદ કરવા છતાં અને ધારાસભ્ય દ્વારા ફાળવાયેલી રમતગમતના સાધનોની ગ્રાન્ટ પણ પરત જવા છતાં આજની તારીખે પણ 14 લાખના રમત-ગમતના સાધનો શાળામાં પડ્યા છે.

શાસનાધિકારી દ્વારા પણ એજન્સીને સાધનો પરત લઈ જવા તાકીદ કરવા છતાં સાધનો પરત નહીં લઈ જતા 28 શાળાઓમાં સીલ બંધ સાધનો આમને આમ જ પડ્યા છે. શાળાના ઓરડાઓમાં બંધ રાખેલા રમત-ગમતના સાધનોનો બાળકો ઉપયોગ પણ કરી શકતા નથી.

શિક્ષકોને પણ સતત ઉજાગરા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં પચાસ પચાસ હજારના રમત-ગમતના સાધનો પડ્યા છે. શાળાઓમાં ચોકીદારની કોઈ વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિમાં શાળામાંથી સાધનોની ચોરી થઈ જવાની શિક્ષકોને ચિંતા સતાવે છે.

સાધનો પરત લઈ જવા એજન્સીને જાણ કરી હતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રમતગમતના સાધનોની ખરીદીનો વર્ક ઓર્ડર રદ કર્યા બાદ શાળામાંથી સાધનો પરત લઈ જવા એજન્સીને જાણ કરાઈ હતી.> યોગેશ ભટ્ટ, શાસનાધિકારી