વેધર:દિવસે 22 કિલોમીટરની ઝડપે બર્ફિલા પવનથી સૂર્ય પ્રકાશ સાવ નિસ્તેજ થયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનને લીધે 14.6 ડિગ્રી તાપમાન 10 ડિગ્રી હોય તેવો અનુભવ
  • ભાવનગરમાં બપોરે તાપમાન ઘટીને 22.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ

ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ઉત્તરના ટાઢાબોળ પવનના સૂસવાટા આખો દિવસ ફૂંકાતા રહેતા નગરજનો ઠંડીથી આજે પણ ઠુંઠવાયા હતા. બર્ફિલા પવનના સૂસવાટાથી આજે પણ લોકોને દિવસભર ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ભાવનગરના જનજીવન પર આ પવનની અસર થઇ છે. ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે બપોરે મહત્તમ તાપમાન ઘટીને 22.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં આજે સવારે પવનની ઝડપ 14 કિલોમીટર અને સાંજે પવનની ઝડપ 22 કિલોમીટર રહી હતી. તેજ ગતિવાળા પવનો માત્ર સવારે અને દિવસમાં જ જોવા મળશે.

શહેરમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 14 ડિગ્રી આસપાસ રહ્યો છે. જો કે, સવારથી સાજ સુધીમાં 14થી 22 કિલોમીટરના સુસવાટાભર્યા બર્ફીલા પવનોથી શહેરીજનો ઠુંઠવાઈ ગયા હતા. દિવસે દિવસે તાપમાનનો પારો નીચે ઉતરતો જતા કડકડતી ઠંડીથી સમસ્ત જનજીવન ઉપર અસર વર્તાવા પામી છે. લોકોએ ઘરની બહાર નીકળવા માટે ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા. શહેર હાલ તો હિમવર્ષાના પવનની લપટેમાં આવી ગયું છે અને હજી ઠંડીનો પારો ઘટે તેવી આગાહી છે.

ભાવનગર શહેરમાં આજે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 65% અને સાંજે 55% રહ્યું હતું. ખાસ તો સાંજના સમયે ઉત્તર દિશાથી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તાપમાનનો પારો 14 હોય પણ જાણે 10 ડિગ્રી તાપમાન હોય તેવો અનુભવ નગરજનોને થયો હતો.

ભાવનગરમાં જનજીવન પ્રભાવિત
ભારે પવનને કારણે અનેક લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. તેમજ શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ સવારે 8 પછી સૂર્યનારાયણના દર્શન થયા હતા. ઠંડી વધવાને કારણે શરદી-ઉઘરસ, તાવ અને નાના બાળકોમાં ઝાડા-ઊલટીના કેસ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...