ખેડૂતોમાં ચિંતા:તળાજા પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોની માઠી દશા: પાક ઢળી ગયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝરમરથી લઇને ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને સાઇકલોનિક સકર્યુલેશન સિસ્ટમ એકટીવ થતા ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભરશિયાળે ચોમાસાની ઋતુ જેવો માહોલ ઉભો થયો છે.તળાજા શહેર અને પંથકમાં આજે સતત ચોવીસ કલાકથી વરસાદી માહોલ રહયો હતો.પવનની ધીમીગતિ વચ્ચે ભર શિયાળે વરસતા માવઠાએ ખેડૂતોની દશા ફરીને માઠી કરી દીધી છે.ચોમાસાના ભારે વરસાદને લઈ ખેડૂતોને સોળ આની પાક થયો નહિ ત્યાં તળાજા પંથકમાં ચોવીસ કલાકથી ઝરમરથી લઈ નેવાંધાર વરસેલા વરસાદના પગલે શેરડી, તલ,ચણા, જુવારના પાક વાડી ખેતર ઢળી ગયેલા જોવા મળ્યા હતા.દરિયાઈ ખેડુના જણાવ્યા પ્રમાણે દરિયાની અંદરનું જે વાતાવરણ ઉભું થયુ છે તે જોતા હજુ બે દિવસ વાદળ છાયુ અને માવઠું રહે તેવી શકયતા છે જે ખેત પેદાશ અને શાકભાજીને વધુ નુકશાન પહોંચાડશે.

ડુંગળીમાં વાતાવરણને લઈ ફૂગ આવવાની પુરી શકયતા છે.કપાસની વિણ બાકી હોયને માવઠું થતા કપાસ બગડી જવાથી પૂરતા ભાવ નહિ મળે.ઘઉંમાં ગેરુનો રોગ ફેલાશે. ખેડૂતોની માગ છે કે ચોમાસુ બાદ શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડશે.જેથી વળતર ચુકવવામાં આવે.તળાજાના સરતાનપર બંદરના દરિયાઈ ખેડુ વિક્રમભાઈ ચૌહાણએ જણાવ્યું હતુંકે દરિયાની અંદર ગાઢ ધૂમમ્સ જોવા મળે છે ભેજનું પ્રમાણ વધુ રહેતા દરિયાઈ પાણી ઠંડા લાગે છેદરિયામાં બળ છે એ જોતાં હજુ બે દિવસ માવઠું રહશે.

આંબા વહેલા આવી ગયા પણ માવઠાએ માઠી બેસાડી
ખેતી સાથે જંતુનાશક દવા બિયારણનો વ્યવસાય કરતા ઈશ્વરભાઈ પાલીવાલ એ કહ્યો હતું કે વરસ વહેલું છે આંબે મોર આવી ગયા છે.આંબા ફૂટ્યા હતા આ વરસે કેરી વહેલી આવે તેમ જોવા મળતું હતું.પણ માવઠાએ માઠી બેસાડી દીધી.ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતા બળવંતભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે પોતાની વાડીમા જુવાર અને તલ બંનેનું વાવેતર કરેલ.જે ઢળી ગયેલ છે જુવાર પશુને નિરણ માટે હોય તેમાં નુકશાની ઉપરાંત બાટુ પશુના નીરવા રાખેલ હોય તે પલળવાથી ખરાબ થઈ જાય.માખણીયા ગામના ખેડૂત ગીગાભાઈ ભલાભાઈએ જણાવ્યું હતુંકે ઘઉંમાં ગેરું,ડુંગળી,કપાસ,જુવાર,તલ, સહિતના પાકને નુક્શાન થયેં છે.ચોમાસુ બાદ હવે શિયાળુ મૌલાત પણ બગડશે. જે ખેડૂતોને નુક્શાન કર્તા છે.સરકારે વળતર આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...