નવી પહેલ:તબીબો, દર્દીઓ સ્વચ્છતાના સંકલ્પ સાથે કરે છે રાષ્ટ્રગાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામવેદ કોમ્પલેક્ષમાં 11ના ટકોરે તબીબો સાથે મુલાકાતીઓ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર એકત્રિત થાય છે
  • Á સ્વચ્છતા સાથે દેશ સેવાનો તબીબોનો નવતર પ્રયોગ

કોઈ રાજકીય નહીં, કોઈ સરકારી નહીં કે કોઈ ફરજ નહીં. માત્ર દેશદાઝ એ જ ફરજ અને રાષ્ટ્ર ધર્મને અપનાવી ભાવનગરના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ડોક્ટરોએ નવી પહેલ કરી. રોજ સવારે 11 કલાકે કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર કોમ્પલેક્ષના તમામ ડોક્ટરો, તેમના કર્મચારીઓ, દર્દીઓ, મુલાકાતીઓ, દુકાનદારો અને જુદા જુદા ક્ષેત્રના વ્યવસાય ધરાવતા લોકો એકત્રિત થઈ સ્વચ્છતા જાળવવા સંકલ્પબધ્ધ થાય અને ત્યારબાદ સામુહિક રાષ્ટ્રગાન ગાય છે.

સરકાર દ્વારા નીત નવા નુશ્ખા અપનાવી સ્વચ્છતા અને રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાના સતત પ્રયાસ કરતા હોય છે પરંતુ તેમાં સફળ થતાં નથી કારણ કે, તે તંત્ર માટે માત્ર નોકરીનો એક ભાગ હોય અથવા તો રાજકીય હોય. પરંતુ ખરા હ્રદયથી સ્વચ્છતાનો નાગરિક ધર્મ અને દેશ પ્રેમ સમજી નહીં શકવાને કારણે જાગૃતિ માત્ર દેખાવ ખાતર રહે છે.

પરંતુ ભાવનગરના જેલ રોડ પર આવેલા સામવેદ કોમ્પલેક્ષમાં માત્ર દેશ પ્રેમ અને સ્વચ્છતાની નાગરિક ફરજની જાગૃતિ માટે એક નવી પહેલ કરી છે. જાણીતા મનોચિકિત્સક ડો.કેયુર પરમારે વિચાર મુક્યો અને સામવેદ ઓનર્સ એસોસીએશને ઝીલી લીધો. રોજ સવારે 10:50 કલાકે એલાર્મ વાગે અને માઇક દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા સંકલ્પ લેવરાવી સ્વચ્છતાની અગત્યતા જણાવે છે.

સાથો સાથ જ્યાં ત્યાં ગંદકી નહીં ફેલાવવા અને કચરો કચરા પેટીમાં નાખવા સહિતની નાગરિકોની ફરજ પણ શફક દેખૈયાના અવાજમાં ઓડિયો સંભળાવી લોકોને સ્વચ્છતા પ્રત્યે પ્રેરે છે. ત્યારબાદ 11 કલાકે ડો.ફિરદૌશ દેખૈયાના સ્વરમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. કોરોના ગાઈડ લાઈનને અનુસરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સામુહિક રાષ્ટ્રગાનમાં દેશ પ્રેમ સાથે એકતાના દર્શન થાય છે. જેમાં કોઈ ધરાર કાર્ય નહીં હોવા છતાં સામાન્ય પ્રજાની સ્વયં શિસ્ત પણ આવકારદાયક છે.

સરકારી કચેરી અને અન્ય સ્થળે પણ અનુકરણીય
સામવેદ કોમ્પ્લેક્ષમાં તબીબો અને અન્ય એકમો દ્વારા દેશભાવના માટે કરેલો પ્રયોગ સરકારી કચેરીઓ અને અન્ય કોમ્પ્લેક્ષ તેમજ જુદા-જુદા સ્થળે અનુકરણ કરવા જેવો છે જેના દ્વારા દેશભાવના સાથે એકતા પણ ગાઢ બનશે

અન્ય સમાચારો પણ છે...