દિવાળીની ખરીદી:ભાવનગરમાં દિવાળીનો માહોલ જામ્ચો, બજારોમાં ગ્રાહકો ધમધમતાં વેપારીઓમાં ખુશીનો માહોલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના મહાપર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ સુધી ખરીદી જામતાં વેપારીઓમાં હર્ષ વ્યાપ્યો છે. પગાર અને બોનસની ચૂકવણી થઈ રહી હોવાથી ખાનગી એકમોના નોકરીયાતો ઉપરાંત ગૃહિણીઓ દ્વારા આવશ્યક ચીજ-વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જેથી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

મોટા ભાગની બજારો ગ્રાહકોથી ધમધમવા લાગી
પ્રકાશના મહાપર્વ દિવાળીમાં ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકા મથકોમાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી છુટક ખરીદી કરવા માટે લોકો આવતા મોટા ભાગની બજારો ગ્રાહકોથી ધમધમવા લાગી છે. તેથી શહેરના હાર્દસમાં પિરછલ્લા શેરી, વોરાબજાર, એમ.જી. રોડ, નાણાવટી બજાર, દિવાનપરા રોડ, ગોળબજાર, હેરીસ રોડ, આંબાચોક સહિતના વિસ્તારોમાં સ્થાનિક તેમજ બહારગામથી ખરીદી કરવા આવી પહોંચે છે,

સાંજે મોટા ભાગે શહેરી વિસ્તારોના ગ્રાહકો મહત્તમ
શહેરની પીરછલ્લા શેરી અને વોરા બજારમાં તો દરરોજ બપોરથી મોડી સાંજ સુધી માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે અને બજારોમાં ગ્રાહકોની ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં સવારના અરસામાં નજીકના ગામડાઓમાંથી અને સાંજે મોટા ભાગે શહેરી વિસ્તારોના ગ્રાહકો મહત્તમ હોય છે. જેમ-જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ-તેમ ખરીદી માટે બજારોમાં ઘસારો વધતો જશે તેમ જણાય છે.

ચીજ-વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે
પ્રારંભિક તબક્કામાં ગ્રાહકો દ્વારા રેડીમેડ કપડાં, કોસ્મેટીક, ફૂટવેર, ચિલ્ડ્રન વેર, ગૃહ સુશોભન અને શણગાર તેમજ ઈલેકટ્રોનીક્સ ઉપકરણો, વાહન, મનોરંજનના સાધનો, મોબાઈલ, રંગોળી, ફટાકડાં, મુખવાસ તેમજ ચીરોડી સહિતની ચીજ-વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. શહેરની બજારોમાં જ નહિ પણ મોટા ભાગના મોલ, બ્રાન્ડેડ કંપનીઓના શો રૂમમાં પણ ગ્રાહકોની સારી એવી ભીડ દ્રશ્યમાન થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...