દિવ્યાંગ બહેનોને સહાય:પાલીતાણા મુકામે દિવ્યાંગ બહેનોને સિલાઈ કામ શીખવવાની ટ્રેનીંગ અપાઈ, 20 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરાયું

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલાઈ કામથી અમે અમારા પરિવારનું ભરણપોષણ કરી શકીશુંઃ તાલીમાર્થી બહેન
  • આગામી સમયમાં વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારી મળી રહે તેવા તાલીમી કાર્યક્રમોનું આયોજન કરાશે

પાલીતાણા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બહેનોને 10 દિવસીય સિલાઈ કામ શીખવવાની ટ્રેનીંગ આપવામાં આવી હતી. જે ટ્રેનીંગ પૂર્ણ થતા આજરોજ 20 દિવ્યાંગ બહેનોને વિરાગ દર્શન મહારાજની નીશ્રામાં સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું હતું કે, 10 દિવસમાં અમોને સઘન તાલીમ આપી જુદીજુદી ચીજવસ્તુઓ અને નમૂનાઓ તૈયાર કરાવી અમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરવામાં આવ્યો છે. તાલીમાર્થી બહેનોએ ઉમેર્યું હતું કે, આનાથી અમો અમારા પરિવારનું ભરણપોષણ કરી શકીશું.

સંસ્થાએ તાલીમી કાર્યક્રમ દ્વારા ઉજ્જવળ તક પૂરી પાડી

આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદના ભરત જોશીએ ટ્રેનીંગ પ્રોગ્રામની વિગતો આપી હતી, જ્યારે તજજ્ઞ વિનોદબાળાએ શિબિરમાં સિલાઈ તાલીમ દ્વારા થનાર બહેનોના આર્થિક ઉપાર્જનની રૂપરેખા જણાવી હતી. બહેનોને ઓનલાઈન શુભકામનાઓ આપતા સમસારા શીપીંગ પ્રા.લી. નાં સી.ઈ.ઓ એન્ડ પ્રેસીડન્ટ મુકેશ ઓઝાએ જણાવ્યું હતું કે, સંસ્થાએ સુંદર તાલીમી કાર્યક્રમ દ્વારા તમોને પુનઃસ્થાપિત થવાની ઉજ્જવળ તક પૂરી પાડી છે અમારી કંપનીનો આ કાર્યમાં હંમેશા ટેકો રહેશે.

આગામી સમયમાં વધુ તાલીમી કાર્યક્રમો કરાશે

આ પ્રસંગે એન.એ.બી.ભાવનગરનાં જનરલ સેક્રેટરી લાભુ સોનાણીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓનાં શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપનને લગતા અનેકવિધ કાર્યક્રમો કરતી અમારી સંસ્થા દ્વારા આગામી સમયમાં વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારી મળી રહે તેવા તાલીમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમસારા શીપીંગ પ્રા.લી.ના આર્થિક સહયોગથી આગામી સમયમાં બોટાદ, ગારીયાધાર, જેસર, તળાજા અને મહુવા મુકામે આ પ્રકારનાં દિવ્યાંગ બહેનો માટેના સિલાઈ મશીન ટ્રેનીંગનાં કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રસંગે એન.એ.બી.અમદાવાદનાં જનરલ સેક્રેટરી ભૂષણ પુનાણી ઓનલાઈન જોડાયા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...