નેશનલ કક્ષાએ ભાવનગરનો ડંકો વગાડ્યો:દિવ્યાંગ ખેલાડીએ નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા, અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યો હતો

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશ સુતરીયા અભયપ્રસાદ સ્ટેડિયમ ઈન્દોરમાં રમાયેલી નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં અલ્પેશ સુતરીયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે અલ્પેશભાઈ 80 ટકા દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર પણ જીતી ચૂક્યા છે.

ભારતમાંથી કુલ 213 સ્પર્ધકોએ ભાગ લીધો
ઈન્દોર ખાતે રમાયેલી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતમાંથી કુલ 213 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશ એસોસિએશન ના સ્પોન્સરશીપથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલ્પેશભાઈ કેટેગરી એમ એસ-1 માં કુલ 9 પ્લેયર હતા, તેઓની વચ્ચે લીગ મેચ રમાયેલી હતી. આ લીગમાં દરેક પ્લેરો સામે રમવાનું હતું જેમાં અલ્પેશએ કુલ ચાર મેચ જીતેલ અને બે મેચ હારેલ તેથી પોઇન્ટના હિસાબે તેમને બોન્જ મેડલ પ્રાપ્ત થયો છે. તેઓએ સંદીપ ડાંગી હરિયાણા, જેડી મદન કર્ણાટકા, મયંક શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ, વિકાસ ચોટફુલે મધ્યપ્રદેશ દરેક રાજ્યના ખેલાડીઓને હરાવ્યાં હતા.

ઇજિપ્ત ખાતે પણ સિલ્વર મેડલ જીત્યો
અગાઉ અલ્પેશએ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતને રીપ્રેસન્ટ કર્યું હતું. જેમાં કેટેગરી-1 રમાયેલ મેચોમાં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને અંતિમ રાઉન્ડમાં અલ્પેશની હાર થઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યાંની ખુશી હતી.
નેશનલ લેવલની બે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન
આ અંગે અલ્પેશ સુતરીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાવનગરમાંથી તેઓ એવા પ્રથમ દિવ્યાંગ ખેલાડી હશે કે જેમને આ લેવલ સુધી પહોંચીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું હોઇ અને તેમ પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હોઇ. આમ, આ વર્ષે નેશનલ લેવલની બે ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભાવનગરનું રમત ગમત ક્ષેત્રે નામ રોશન કર્યું છે. તેમજ આંબાવાડી ખાતે આવેલ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...