જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી શાસકો અને અધિકારીઓ વચ્ચે રાગદ્વેષ શરૂ છે. જે હવે જાહેરમાં આવતા ગત ઓક્ટોબર મહિનામાં મળેલી સાધારણ સભામાં રેતી કંકરની એક કરોડથી વધુ રકમની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામો અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે મંજૂર તો થયા પરંતુ બે મહિના કરતા વધુ સમય પ્રોસિડિંગ પણ નહીં કરી અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા એક કાર્ય માટે પેન્ડિંગ રાખી અંતે કાર્યને રદ કરી પ્રોસેડિંગ કરાયું હતું. અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા કાર્યમાં અંતે અધિકારીનું ધાર્યુ થયુ હતુ અને શાસકોના હાથ નીચે પડ્યા હતા.
ભાવનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખ વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહને કારણે વિવાદો ઉભા થાય છે. કર્મચારી અધિકારીઓની બદલી હોય કે વિકાસ કામોમાં વારંવાર સામ સામે આવી જાય છે. અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ શાસકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની વિરુદ્ધમાં રાજ્યકક્ષાએ ફરિયાદો પણ કરી હતી. જોકે, જિલ્લા વિકાસ અધિકારીનોએ બાબતમાં વાળ પણ વાંકો થયો ન હતો. રેતી કંકરની રોયલ્ટીની વસુલાત માટે ભાવનગર જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવી હતી.
બચત થયેલી અને ફાળવણી થયેલી એક કરોડથી વધુ રકમની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો સૂચવી સરકારમાં દરખાસ્ત કરવાની હતી. જે સંદર્ભે ગત 10મી ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે મંજૂરી આપી હતી. તત્કાલીન સમયે સભાના સચિવે પણ ગ્રાન્ટ ના કાર્ય બાબતે કોઈ પ્રકાશ પાડ્યો ન હતો. પરંતુ અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા કાર્યને રદ કરવા સભાનું પોસિડિંગ કરાયું નહીં. શાસકો અને ગળામાં હાડકા સમાન રેતી કંકર ની ગ્રાન્ટ બની રહી.
અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાયેલું કાર્ય પાછું પણ ઠેલવાય નહીં તો શાસકોનું નાક કપાયું ગણાય. અને બીજી તરફ ડીડીઓ દ્વારા સામાન્ય સભાના પ્રોસેડીંગને જ મંજૂરી અપાઈ ન હતી. બે મહિના કરતાં વધુ આ વિવાદ ચાલ્યો. અંતે થોડા સમય પહેલા જ ત્રણ મહિના પહેલા મળેલી સામાન્ય સભાના કાર્યોનું પ્રોસેડિંગ તો કરવામાં આવ્યું પરંતુ તેમાંથી અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા કાર્યને રદ કરાયું છે. જે તંત્ર પાસે શાસકોના શાણપણનું લેવલ મપાઈ ગયું હતું.
એકવાર મંજુર થયેલું કાર્ય બીજી વાર સભામાં આવશે
ગત ઓક્ટોબર મહિનાની સાધારણ સભામાં રેતી કંકરની એક કરોડથી વધુ રકમની ગ્રાન્ટનું કાર્ય અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાયુ હતું. પરંતુ તે કાર્યને બે મહિના બાદ પ્રોસેડિંગમાંથી રદ કરાયું છે. જેથી આ કાર્યને હવે આગામી સાધારણ સભાના મુખ્ય એજન્ડામાં સમાવેશ કરવામાં આવશે. અને તેને મંજૂર કરાશે. જેથી રેતી કંકરનું એકનું એક કાર્ય બબ્બે વાર સભામાં મંજૂર કરાશે.
સરકારના પરિપત્ર વિરુદ્ધમાં થતું હોવાથી રદ કરાયું
જિલ્લા પંચાયતની ઓક્ટોબરમાં મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા રેતી કંકરની ગ્રાન્ટના કાર્ય સંદર્ભે સરકારના પરિપત્ર અને ભૂતકાળની સભાના કાર્યો મંગાવ્યા હતા જે પ્રમાણે ફરજિયાત ગ્રાન્ટના કાર્યને એજન્ડામાં લેવાનું થતું હોવાથી પ્રોસિડિંગમાંથી જ કાર્યને રદ કરાયું છે. આગામી સભાના એજન્ડામાં સમાવેશ કરાશે. તત્કાલીન સમયે જાણ કરી હોત તો સભામાં જ કાર્ય લેવાયું ન હોત. > ભરતસિંહ ગોહિલ, પ્રમુખ જિલ્લા પંચાયત
સભાના પ્રોસિડિંગમાં પંચાયત ધારાની ઐસીતેસી
ગુજરાત પંચાયત અધિનિયમના કાર્યરીતિ નિયમો મુજબ જિલ્લા પંચાયતની સાધારણ સભા મળ્યા ના સાત દિવસમાં પ્રોસેડિંગ થવું જરૂરી છે. પરંતુ 10 મી ઓક્ટોબરના રોજ મળેલી સાધારણ સભાનું પ્રોસિડિંગ સાત દિવસ તો ઠીક પરંતુ બે મહિના સુધી પણ કરાયું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.